ઓલપાડનાં અટોદરા ગામની નવનિર્મિત પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું
ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં હસ્તે શાળાનાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, સુરત પ્રેરિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અટોદરા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું હતું. બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત આ પ્રદર્શનમાં સર્જનશીલ બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ નિહાળવા સાથે તેમને પ્રોત્સાહિત કરવા તાલુકા પંચાયતનાં પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, શાસક પક્ષનાં નેતા જિજ્ઞેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય જ્યોત્સનાબેન રાઠોડ, ગામનાં અગ્રણી મુનિરભાઈ તથા અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઓલપાડનાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રદર્શનમાં દીપ પ્રજ્વલન બાદ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત સૌને આવકારી કાર્યક્રમનો ચિતાર રજૂ કર્યો હતો. તાલુકાની વિવિધ શાળાઓનાં બાળ વૈજ્ઞાનિકોએ ચાલુ વર્ષની થીમ ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ’ સંદર્ભે કુલ-5 વિભાગમાં 53 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. જેમાં વિભાગવાર શ્રેષ્ઠ જાહેર થયેલ કૃતિઓ આ મુજબ છે. વિભાગ-1 ફાર્મિંગ ટાવર (પારડીઝાંખરી પ્રાથમિક શાળા), વિભાગ-2 જનરેડ ઈલેકટ્રીસીટી બાય વેસ્ટ મટીરીયલ્સ (કરમલા પ્રાથમિક શાળા), વિભાગ-3 ફૂટ સ્ટેપ પાવર જનરેશન (કુવાદ પ્રાથમિક શાળા), વિભાગ-4 ઓટો ઈરીગેશન મેનેજમેન્ટ (કુંદિયાણા પ્રાથમિક શાળા), વિભાગ-5 ટેકનોલોજી આધારિત ગંદા પાણીનું શુધ્ધીકરણ અને વ્યાપારીકરણ (લવાછા પ્રાથમિક શાળા). આ તમામ કૃતિઓ જિલ્લા કક્ષાએ ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. બાળ વૈજ્ઞાનિકોને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતાં.
પ્રારંભે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પોતાનું પ્રાસંગિક પ્રવચન આટોપી બાળ વૈજ્ઞાનિકો તથા તેમનાં માર્ગદર્શક શિક્ષક ભાઈ-બહેનો સાથે તેમની કૃતિ વિષયક ઉંડાણપૂર્વક ગોષ્ઠિ હાથ ધરી હતી. આ તકે તેમણે સરકારી પ્રાથમિક શાળાઓનાં શિક્ષકો તેમજ બાળકોની સરાહના કરી હતી. સદર પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે માધ્યમિક શાળાઓનાં શિક્ષકોએ ઉત્કૃષ્ટ ભૂમિકા નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ કર્યુ હતું. અંતમાં આભારવિધિ યજમાન શાળાનાં આચાર્ય મનિષ પટેલે આટોપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફગણ, ગામનાં સરપંચ નજીર મીરઝા, સાંધિયેરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલા સહિત કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
