રસ્તા પર અસુરક્ષિત સ્થિતિમાં મળી આવેલ વૃદ્ધ મહિલાને 181 અભયમ બારડોલી ટીમ દ્વારા સુરક્ષિત આશ્રય અપાવાયો
Contact News Publisher

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૨૦. કડોદરા પંથકમાં એક વૃદ્ધ મહિલા રસ્તા પર એકલાં અને ભટકતી હાલતમાં જોવા મળ્યાં હતાં. તેમની ઉંમર અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં તેમની સુરક્ષા અને સંભાળ અંગે ચિંતા વ્યક્ત કરતાં એક જાગૃત નાગરિકે તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જાણ કરી હતી.
માહિતી મળતાં જ 181 અભયમ બારડોલી ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો. કાઉન્સેલર સાથે મહિલા કોન્સ્ટેબલ કંકુબેન ચૌધરી અને પાયલોટ નીરવભાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.
ઘટનાસ્થળે પહોંચેલી ટીમને વૃદ્ધ મહિલા રસ્તા પર એકલાં બેઠેલાં જોવા મળ્યાં હતાં. કાઉન્સેલર તૃપ્તિ પટેલે સૌપ્રથમ તેમની સાથે શાંતિપૂર્ણ અને સંવેદનશીલ રીતે વાતચીત કરી વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાની ઓળખ, રહેઠાણ, પરિવારજનો તથા તેમની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જોકે, વૃદ્ધાવસ્થા અને નબળી શારીરિક સ્થિતિને કારણે મહિલા પોતાની ઓળખ તથા પરિવાર અંગે સ્પષ્ટ માહિતી આપી શકતાં નહોતાં. આથી કાઉન્સેલર દ્વારા તેમની પરિસ્થિતિનું પ્રાથમિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મહિલા એકલાં અને અસુરક્ષિત સ્થિતિમાં હોવાથી તેમની સલામતી, ગૌરવ અને જરૂરી સંભાળને પ્રાથમિકતા આપીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
કાઉન્સેલર તૃપ્તિ પટેલે મહિલાને હૂંફ અને આશ્વાસન આપી તેમની સાથે સતત સંવાદ જાળવી રાખ્યો હતો. સાથે જ મહિલાને જરૂરી સંભાળ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી નજીકના આશ્રય ગૃહ સાથે તાત્કાલિક સંકલન કરવામાં આવ્યું હતું. જરૂરી વ્યવસ્થા અને સંકલન બાદ 181 અભયમ ટીમ દ્વારા વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે આશ્રય ગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યાં હતાં, જેથી તેમને સલામત વાતાવરણમાં જરૂરી સંભાળ મળી રહે.
આ સમગ્ર કામગીરી દરમિયાન 181 અભયમ ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને મહિલાની પરિસ્થિતિનું મૂલ્યાંકન, સંવેદનશીલ કાઉન્સેલિંગ, સુરક્ષાત્મક હસ્તક્ષેપ અને સંબંધિત આશ્રય ગૃહ સાથે સંકલન જેવી જરૂરી કામગીરી કરવામાં આવી હતી.
આ ઘટનામાં જાગૃત નાગરિકની સમયસરની જાણ અને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ઝડપી કામગીરી તથા કાઉન્સેલર તૃપ્તિ પટેલના સંવેદનશીલ અભિગમને કારણે વૃદ્ધ મહિલાને અસુરક્ષિત પરિસ્થિતિમાંથી બહાર લાવી સુરક્ષિત આશ્રય અપાવવામાં સફળતા મળી હતી.
જાહેર અપીલ
આ વૃદ્ધ મહિલાને ઓળખતા હોય અથવા તેમના પરિવારજનો, વાલી-વારસ કે રહેઠાણ અંગે કોઈ માહિતી ધરાવતા હોય, તેઓને વિનંતી છે કે માનવતાના ધોરણે આગળ આવી 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી જરૂરી માહિતી પૂરી પાડે, જેથી મહિલાની ઓળખ સ્થાપિત કરી તેમના પરિવારજનો સાથે સંપર્ક સાધી શકાય અને તેમને પરિવારનો સહયોગ મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરી શકાય.
○○○
