108 ઇમરજન્સી સેવાની ટીમે પ્રામાણિકતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
Contact News Publisher

અકસ્માતગ્રસ્ત દર્દીની ₹45,000 રોકડ રકમ સુરક્ષિત રીતે પરિવારજનોને પરત સોંપી
(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. 22. 108 ઇમરજન્સી સેવા માત્ર અકસ્માત કે તબીબી કટોકટીના સમયે તાત્કાલિક આરોગ્ય સહાય પૂરી પાડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ દર્દીની સુરક્ષા, વિશ્વાસ અને માનવીય મૂલ્યો પ્રત્યેની જવાબદારી નિભાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અરેઠ 108ની ટીમે પોતાની ફરજ દરમિયાન પ્રામાણિકતા અને નિષ્ઠાનું પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બનાવની વિગત મુજબ, આજરોજ સાંજે આશરે 7:00 વાગ્યે ભાગેશભાઈ માનસિંગભાઈ ચૌધરી બાઈક પર મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન અરેઠ તાલુકાના ઝરપણ ગામ નજીક પેટ્રોલ પંપ સામે અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ મળતાં જ અરેઠ 108 ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચીને ટીમે દર્દીની સ્થિતિનું મૂલ્યાંકન કરી જરૂરી પ્રાથમિક તબીબી સહાય અને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી.
આ કામગીરી દરમિયાન EMT તન્વીબેન અને પાયલોટ ભરતભાઈ ચૌધરીના ધ્યાન પર દર્દી પાસે રહેલી ₹45,000ની રોકડ રકમ આવી હતી. દર્દી તે સમયે બેભાન અવસ્થામાં હોવાથી ટીમે દર્દીની અંગત મિલકતની સુરક્ષા અને જવાબદારીને પ્રાથમિકતા આપી હતી. ત્યારબાદ યોગ્ય ઓળખ અને સોંપણીની ખાતરી સાથે સમગ્ર રોકડ રકમ દર્દીના સગા પ્રતિકભાઈ ચૌધરીને પરત સોંપવામાં આવી હતી.
રોકડ રકમ સુરક્ષિત રીતે પરત મળતાં દર્દીના પરિવારજનોએ 108ની ટીમની પ્રામાણિકતા અને જવાબદારીભર્યા અભિગમની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.
આ કામગીરીની 108ના EME હિતેશ રોહિત તથા પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સાહેબે પણ નોંધ લઈ અરેઠ 108ની ટીમની ફરજનિષ્ઠા, પ્રામાણિકતા અને સેવાભાવને બિરદાવ્યા હતા.
108 ઇમરજન્સી સેવાની ઓળખ માત્ર સમયસર તબીબી સહાય પૂરી પાડવાની નથી, પરંતુ દરેક કટોકટીની પરિસ્થિતિમાં દર્દીની સુરક્ષા, ગૌરવ, વિશ્વાસ અને જવાબદારીનું જતન કરવાની પણ છે.
અરેઠ 108ની EMT તન્વીબેન અને પાયલોટ ભરતભાઈ ચૌધરીએ પોતાના કાર્ય દ્વારા સાબિત કર્યું છે કે સાચી સેવા એ છે, જેમાં ફરજની સાથે પ્રામાણિકતા અને માનવતા પણ જળવાઈ રહે છે.
108 ઇમરજન્સી સેવાની ટીમના આ પ્રશંસનીય કાર્ય બદલ EMT તન્વીબેન અને પાયલોટ ભરતભાઈ ચૌધરીને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
○○○
