તાપીના ‘બ્લડ વોરિયર’ અંકિતભાઈની સેવાથી નવજાતને મળ્યું જીવતદાન
દુર્લભ B-નેગેટિવ રક્તદાન થકી બચ્યો જીવ
**
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાની જનરલ હોસ્પિટલમાં જન્મેલા એકજ દિવસના નવજાત શિશુને દુર્લભ એવા ‘બી નેગેટિવ’ (B-) રક્તની તાત્કાલિક જરૂર પડતાં સોનગઢ તાલુકાના ખોખસા ગામના સુમાબેન અને મેહુલભાઈ ગામીતનો પરિવાર ચિંતામાં મુકાયો હતો. આ કપરા સમયે ખડકા ચીખલીના સેવાભાવી યુવાન અંકિતભાઈ ગામીતની રક્તદાન માટેની સોસીયલ મીડિયામાં મુકેલી અપીલ રંગ લાવી. તેમની નિ:સ્વાર્થ ભાવે કરેલી અપીલ થકી માંડવીના પ્રશાંતભાઈ બારોટ તાત્કાલિક વ્યારા પહોંચી રક્તદાન કરતાં માસૂમ બાળકનો જીવ બચી ગયો હતો.
બનાવની વિગત મુજબ, નવજાત શિશુ કે હજુ તેને આ દુનિયામાં આવ્યાને એક દિવસ થયો છે તેને દુર્લભ બ્લડ ગ્રુપની જરૂર પડતા, ‘બ્લડ વોરિયર’ તરીકે જાણીતા અંકિતભાઈ ગામીતે તાત્કાલિક તેમના વ્યાપક નેટવર્ક અને સોશિયલ મીડિયા દ્વારા રક્તદાતાની શોધ શરૂ કરી. તેમની આ સેવાકીય અપીલ ૧૦ હજાર લોકો સુધી પહોંચતા અને ૧૫૦ થી વધારે લોકોએ શેર કરતા, ૨ મહિલા અને ૧ પુરુષે જુદી જુદી જગ્યાએથી બ્લડ ડોનેટ માટે વ્યારા આવી પહોચ્યા હતા, પરંતુ બદનસીબે તેમના હેમોગ્લોબિન ઓછુ આવતા અપીલ ચાલુ રાખી હતી. ત્યાર બાદ માંડવીના પ્રશાંતભાઈ નામના યુવકે તેનો તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો. તેઓ માનવતાની ભાવના સાથે માત્ર બે જ કલાકમાં રાત્રે ૧૧ વાગે ટુ વ્હીલર પર વ્યારા હોસ્પિટલ પહોંચ્યા અને રક્તદાન કરી બાળકને નવજીવન બક્ષ્યું.
આ અંગે બાળકના પિતા મેહુલભાઈ ભાવુક થઈને જણાવ્યું હતું કે, “અંકીતભાઈની સમયસરની મદદ અને પ્રશાંતભાઈના આ અમૂલ્ય રક્તદાનથી મારા બાળકનો જીવ બચ્યો છે. હું આ બંને સેવાભાવી યુવાનોનો સદાય ઋણી રહીશ.”
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી અંકિતભાઈ ગામીત છેલ્લા એક દાયકાથી રક્તદાન જાગૃતિ માટે સમર્પિત છે. તેઓએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજથી આ નિઃસ્વાર્થ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. આજદિન સુધીમાં, અંકિતભાઈ ૩૦૦૦થી વધુ ગંભીર દર્દીઓને રક્તદાતાઓ શોધી આપીને મદદ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમણે ૫૦૦થી વધુ લોકોને જીવનમાં પહેલીવાર રક્તદાન કરવા માટે પ્રેરિત કર્યા છે. તેઓ પોતે પણ ૩૫ વાર રક્તદાન કરી યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
