ચાણક્ય ભવન ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સભા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગત રવિવારનાં રોજ ગાંધીનગરનાં સેકટર-૧૩ સ્થિત ‘ચાણક્ય’ ભવન ખાતે રાજ્ય સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સભા યોજવામાં આવી હતી. આ સંકલન સભામાં રાજ્યસંઘનાં હોદ્દેદારો સહિત તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ, મહામંત્રી અને રાજ્યસંઘનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં જણાવ્યા અનુસાર આ બેઠકમાં ગુજરાતનાં તમામ જિલ્લાઓ દ્વારા શિક્ષક હિતમાં મહત્વનાં મુદ્દાઓની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જે આ મુજબ છે. (૧) એપ્રિલ ૨૦૨૫ પછીનાં શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ અપાવવા માટે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ જે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરશે તેમાં ઉત્સાહભેર જોડાવા બાબત (૨) જૂના શિક્ષકોની ટેટ પરીક્ષા પાસ કરવા સંદર્ભે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરેલ છે તે માટે જરૂર જણાય તો આંદોલન કરવા બાબત (૩) વેકેશનમાં યોજાનાર તાલીમ બાબત (૪) ફિક્સ પ્રથા નાબૂદ કરવા બાબત (૫) બદલી કેમ્પ પહેલાં બદલીનાં નિયમોમાં સુધારો કરવા માટે ૩૦/૧૦/૨૦૨૫ પહેલાં સૂચનો મોકલી આપવા બાબત (૬) દરેક જિલ્લાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા બાબત (૭) બદલી થયેલ અને છૂટા થવાનાં બાકી શિક્ષકોની યાદી મોકલી તેમને છૂટા કરવા બાબત (૮) સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સની સેલ્ફી બાબત (૯) આગામી સમયમાં શિક્ષકોની સેલ્ફી તેમજ ફેસ મશીન દ્વારા હાજરી પૂરવાની શિક્ષણ વિભાગની વિચારણાનાં વિરોધ બાબત (૧૦) બી.એલ.ઓ. કામગીરીમાંથી મુક્તિ બાબત (૧૧) વિવિધ ઓનલાઇન કામગીરી બાબત (૧૨) મૂલ્યાંકન પદ્ધતિ પૈકી રચનાત્મક મૂલ્યાંકનમાં ફેરફાર બાબત (૧૩) શિક્ષક વિદ્યાર્થી રેશિયો સુધારવા બાબત
આ સાથે જે તે જિલ્લાનાં સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી, જેને ઠરાવમાં લઈ જે તે વિભાગમાં રજૂઆત કરી ફોલોઅપ લઈ તે પ્રશ્નો ઉકેલવા ઠરાવવામાં આવ્યું હતું. બેઠકનાં અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં યોજાયેલ ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક મહા રક્તદાન શિબિરની સફળતા બદલ તમામ જિલ્લા સંઘોને સ્મૃતિભેટ તથા સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં. અંતમાં રાજ્ય સંઘનાં મહામંત્રી જૈમિનભાઈ પટેલ સંગઠનાત્મક વિચારો રજૂ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
