રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ, વન્ય પ્રાણી સૃષ્ટિનું જતન-સંવર્ધન-સંરક્ષણ થાય તે માટે સરકારે નવતર આયોજનો કર્યા : સીએમ
Contact News Publisher

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની સહ અસ્તિત્વ-કો એક્ઝીસ્ટન્સની ભાવનાને “જીવો અને જીવવા દો”ના સંસ્કાર વારસાથી વન્યજીવોના રક્ષણ, જતન, સંવર્ધનથી આપણે વધુ સુદ્રઢ બનાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આગવી વૈવિધ્યતા ધરાવતા ગુજરાતમાં વન વિરાસત, વન્ય પ્રાણીસૃષ્ટિ, દરિયાઇ જીવસૃષ્ટિ સૌની લાક્ષણિકતા ટકાવીને વિકાસ-સંવર્ધન થાય તેવી આપણી નેમ છે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, દેશના ગૌરવ ગિરના સાવજની વસ્તી આજે ૬૭૪ જેટલી થઇ ગઇ છે. ર૦૧પની તુલનાએ ર૦ર૦માં સિંહની વસ્તીમાં ૨૮.૮૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
ગુજરાત પાસે જે વન્ય પ્રાણીસૃષ્ટિનું વૈવિધ્ય છે તે જળવાઇ રહે અને તેનું સંવર્ધન રક્ષણ થાય તે માટે પણ સરકારે હાથ ધરેલા નવતર અભિગમની વિશેષતા તેમણે વર્ણવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વેળાવદર કાળિયાર નેશનલ પાર્કમાં લેસર ફલોરિકન બ્રિડીંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. ક્રિટીકલી એન્ડેજર્ડ કેટેગરીમાં હોય તેવાં પક્ષીઓના સાયન્ટીફિક ડેટા મળી રહે તે હેતુથી ટેગિંગ સિસ્ટમ વિકસાવી છે.
તેમણે વન્ય જીવસૃષ્ટિના સન્માન સાથે સંરક્ષણ-જતન સંવર્ધનનો ભાવ જન-જનમાં ઊજાગર કરવામાં વન્યપ્રાણી સપ્તાહ એક મજબૂત સંવાહક પ્લેટફોર્મ બન્યું છે તે માટે વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી અને થોળ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં ર૦૦૦થી ર૦ર૦ બે દાયકા દરમ્યાન પક્ષીઓમાં થયેલી માતબર વૃદ્ધિના સંકલિત વિવરણ “પોપ્યુલેશન એસ્ટીમેશન” પ્રકાશનનું વિમોચન પણ આ વેળાએ કર્યુ હતું.વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ વન્ય જીવસૃષ્ટિના જાળવણીમાં જનસહયોગ પ્રેરિત કરવાનો નવતર વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપ્યો છે તેની ફલશ્રુતિએ વન્યજીવોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેની ભૂમિકા આપી હતી. તેમણે વન વિભાગે આ સપ્તાહ દરમ્યાન હાથ ધરેલા જનજાગૃતિ કાર્યો, ચિત્રસ્પર્ધા, પરિસંવાદ, વાર્તાલાપ વગેરેની પ્રસંશા કરી હતી.
વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકીએ સ્વાગત પ્રવચનમાં આ સપ્તાહની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. અગ્ર મુખ્ય વનસંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ. દિનેશકુમાર શર્માએ સૌનો આભાર વ્યકત કર્યો હતો. આ અવસરે ગાંધીનગરથી મુખ્યમંત્રી સાથે વન્ય પ્રાણીસૃષ્ટિના અગ્ર મુખ્ય વન સંરક્ષક ટિકાદર, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્ય પ્રાણીસૃષ્ટિ) એસ.કે. શ્રીવાસ્તવ, અધિક સચિવ પંડિત વગેરે પણ જોડાયા હતા.
