માતા-પિતા વચ્ચેના પારિવારિક વિખવાદનું અસરકારક કાઉન્સેલિંગ દ્વારા સુખદ સમાધાન કરાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉમરા ટીમ
181
Contact News Publisher

માતા-પિતાને સમજાવવા માટે 17 વર્ષીય સગીરાએ 181 અભયમ પર મદદ માગી, ઉમરા ટીમે સ્થળ પર પહોંચી બંને પક્ષનું કાઉન્સેલિંગ કરી પારિવારિક વિખવાદનો સુખદ ઉકેલ લાવ્યો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા. ૨૮. સુરત શહેરમાં ગત રોજ 17 વર્ષીય સગીરાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી મદદ માગી હતી. સગીરાએ જણાવ્યા મુજબ, માતા-પિતા સાથે અવારનવાર નાની-નાની બાબતોમાં મતભેદ થતાં ઘરમાં તકરાર થતી હતી. આ ઉપરાંત, માતા-પિતા દ્વારા મારપીટ કરવામાં આવતી હોવાની પણ રજૂઆત કરી હતી. જેથી માતા-પિતાને સમજાવી પારિવારિક પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે સગીરાએ 181 અભયમની મદદ માગી હતી.
કોલ મળતાં જ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉમરા ટીમ તાત્કાલિક સગીરાએ જણાવેલા સરનામે પહોંચી હતી. ટીમ દ્વારા સૌપ્રથમ સગીરા સાથે શાંતિપૂર્ણ વાતચીત કરી તેની પરિસ્થિતિ, મુશ્કેલીઓ અને લાગણીઓ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે સગીરા ત્રણ ભાઈ-બહેનોમાં બીજા ક્રમે છે અને પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે અન્યના ઘરે ઘરકામ પણ કરે છે. અગાઉ પરિવારની મોટી દીકરીના પ્રેમલગ્ન બાદ બનેલી દુઃખદ ઘટનાને લઈને પરિવારમાં લાંબા સમયથી માનસિક તણાવનું વાતાવરણ હતું. આ બાબતને લઈને સગીરાને વારંવાર ટોકવામાં આવતી હોવાને કારણે તેના મન પર વિપરીત અસર થતી હતી. પરિવાર તરફથી સગીરાને નોકરી કરવા તથા અન્ય બાબતોમાં પણ દબાણ અનુભવાતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ 181 અભયમ ટીમ દ્વારા સગીરાના માતા-પિતાનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. માતા-પિતાએ પોતાની દીકરીની વર્તણૂક અને મોડી રાત સુધી બહાર રહેવા અંગેની ચિંતા વ્યક્ત કરી હતી.
181 અભયમ ટીમના કાઉન્સેલર દ્વારા બંને પક્ષની રજૂઆતો ધીરજપૂર્વક સાંભળવામાં આવી હતી. ત્યારબાદ માતા-પિતાને સમજાવવામાં આવ્યું કે સગીરાવસ્થામાં દીકરીને પ્રેમ, હૂંફ, સુરક્ષા અને યોગ્ય માર્ગદર્શનની વિશેષ જરૂરિયાત હોય છે. દીકરી સાથે કોઈપણ પ્રકારની મારપીટ કે માનસિક ત્રાસ આપવો યોગ્ય નથી. મતભેદ હોય તો ગુસ્સો કે દબાણ કરવાને બદલે શાંતિથી વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
સાથે જ કાઉન્સેલર દ્વારા સરળ ભાષામાં કાયદાકીય સમજણ આપવામાં આવી હતી કે 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના લગ્ન કરાવવા કાયદા વિરુદ્ધ છે. તેવી જ રીતે, બાળકની ઉંમર અને કાયદામાં નિર્ધારિત શરતોનું ધ્યાન રાખ્યા વિના કામ કરાવવું બાળમજૂરી સંબંધિત કાયદાનું ઉલ્લંઘન બની શકે છે. બાળકોના શિક્ષણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવી માતા-પિતાની જવાબદારી છે.
ત્યારબાદ સગીરાને પણ તેની ઉંમર અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને અભ્યાસ, કારકિર્દી અને જીવનના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવવામાં આવી હતી. કોઈપણ મુશ્કેલી કે પારિવારિક મતભેદ હોય તો આત્મહાનિ જેવા વિચારો કરવાને બદલે વિશ્વાસપાત્ર વ્યક્તિ અથવા 181 અભયમ હેલ્પલાઇનની મદદ લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
181 અભયમ ટીમના સતત અને અસરકારક કાઉન્સેલિંગ બાદ સગીરાને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે માતા-પિતા સાથે શાંતિથી વાતચીત કરી માફી માગી હતી. બીજી તરફ, માતા-પિતાએ પણ દીકરીની લાગણીઓ સમજવા અને હવે પછી તેની સાથે પ્રેમપૂર્વક વર્તન કરવા તથા કોઈપણ પ્રકારની મારપીટ ન કરવા સમજણ મેળવી હતી.
આમ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉમરા ટીમ દ્વારા સમયસર સ્થળ પર પહોંચી બંને પક્ષનું વ્યક્તિગત અને સંયુક્ત કાઉન્સેલિંગ કરી પારિવારિક મતભેદ દૂર કરવામાં આવ્યા હતા અને પરિવારમાં સુખદ વાતાવરણ સ્થાપિત કરવા સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સમાધાન બાદ 181 અભયમ ઉમરા ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પરિવારના સભ્યો વચ્ચે નાની-નાની બાબતોમાં મતભેદ થવા સ્વાભાવિક છે, પરંતુ ગુસ્સો, મારપીટ કે દબાણ કરવાને બદલે એકબીજાની લાગણીઓ સમજી પ્રેમ અને વિશ્વાસથી વાતચીત કરવી જરૂરી છે. ખાસ કરીને સગીર વયનાં બાળકો સાથે માતા-પિતાએ ધીરજ, હૂંફ અને સમજદારીપૂર્વક વર્તન કરવું જોઈએ. સમયસર યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સેલિંગ મળે તો પારિવારિક વિખવાદનું સુખદ સમાધાન શક્ય બને છે.
○○○
