ગર્ભવતી મહિલાને ઘરેલું હિંસાથી સુરક્ષા અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન કતારગામ ટીમ
181
Contact News Publisher

પતિ દ્વારા મારપીટ અને માનસિક હેરાનગતિની રજૂઆત મળતાં 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. મહિલાનું કાઉન્સેલિંગ કરી પતિને કાયદાકીય સમજણ આપી તથા મહિલાની શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તા. ૨૮. સુરત શહેરમાં ગર્ભવતી મહિલા સાથે પતિ દ્વારા થતી મારપીટ અને માનસિક હેરાનગતિ અંગે મહિલાના પરિવારજનો દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી મદદ માગવામાં આવી હતી. કોલર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની બહેનને સાસરી પક્ષ તરફથી હેરાન કરવામાં આવે છે તેમજ પતિ દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવે છે.
મળેલી માહિતીના આધારે 181 અભયમ મહિલા હેલ્પલાઇન કતારગામ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
મહિલાએ ટીમને જણાવ્યા મુજબ, તેમના પ્રેમલગ્ન થયાને આશરે નવ મહિના થયા છે અને હાલમાં તેઓ ગર્ભવતી છે. પતિ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત કરવા બાબતે શંકા વ્યક્ત કરવામાં આવતી હતી, જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ બાબતને લઈને પતિ દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવતી હોવાની રજૂઆત મહિલાએ કરી હતી.
વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે બનાવના દિવસે પણ પતિ દ્વારા તેમના માથાના ભાગે માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને માથામાં દુખાવો થતો હતો તેમજ પેટમાં પણ દુખાવો અનુભવાતો હતો.
મહિલાની રજૂઆતને ગંભીરતાથી લઈ 181 અભયમ કતારગામ ટીમના કાઉન્સેલર દ્વારા સૌપ્રથમ મહિલાની વાત ધીરજપૂર્વક સાંભળવામાં આવી હતી. તેમની હાલની પરિસ્થિતિ, મુશ્કેલીઓ અને સુરક્ષાને પ્રાથમિકતા આપી જરૂરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ મહિલાને ઉપલબ્ધ કાયદાકીય જોગવાઈઓ અને સહાયના વિકલ્પો અંગે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી.
ટીમ દ્વારા મહિલાને સમજાવવામાં આવ્યું હતું કે તેમની સાથે મારપીટ કે કોઈપણ પ્રકારની શારીરિક અથવા માનસિક હેરાનગતિ થાય તો તેઓ કાયદાકીય મદદ મેળવી શકે છે. જરૂર જણાય તો પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવાનો પણ તેમને અધિકાર છે.
ત્યારબાદ 181 અભયમ ટીમ દ્વારા મહિલાના પતિનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પતિને સમજાવવામાં આવ્યું હતું કે પત્ની હાલ ગર્ભવતી હોવાથી તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે શંકા કે મતભેદ હોય તો મારપીટ કે ગુસ્સો કરવાને બદલે શાંતિપૂર્વક વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
સાથે જ પતિને કાયદાકીય સમજણ આપવામાં આવી હતી કે કોઈપણ વ્યક્તિ સાથે મારપીટ કરવી કાયદાકીય રીતે ગુનો બની શકે છે. ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ, 2005 હેઠળ મહિલાઓને શારીરિક, માનસિક અને અન્ય પ્રકારની ઘરેલું હિંસા સામે કાયદાકીય રક્ષણ મેળવવાનો અધિકાર છે.
મહિલાને માથાના ભાગે માર લાગ્યો હોવાની તેમજ પેટમાં દુખાવો થતો હોવાની બાબતને ગંભીરતાથી લઈ 181 અભયમ ટીમ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી મહિલાને વધુ તબીબી તપાસ અને જરૂરી સારવાર માટે હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી.
આમ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન કતારગામ ટીમ દ્વારા સમયસર ઘટના સ્થળે પહોંચી મહિલાની રજૂઆત સાંભળી, જરૂરી કાઉન્સેલિંગ કરી, પતિને કાયદાકીય સમજણ આપી તથા મહિલાની શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટે જરૂરી સંકલન કરવામાં આવ્યું હતું.
મુશ્કેલીના સમયે સમયસર મદદ, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા બદલ મહિલાના પરિવારજનો દ્વારા 181 અભયમ ટીમની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓને મુશ્કેલીના સમયે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને જરૂરિયાત મુજબ પોલીસ, હોસ્પિટલ તથા 108 એમ્બ્યુલન્સ સહિતની સંબંધિત સેવાઓ સાથે સંકલન કરીને સુરક્ષા અને સહાય પૂરી પાડવા માટે સતત કાર્યરત છે.
○○○
