સુરત જિલ્લામાં ધોરણ ૧ થી ૫ નાં નવનિયુક્ત વિદ્યાસહાયકોની સ્થળ પસંદગી પ્રક્રિયા પારદર્શક રીતે સંપન્ન
Contact News Publisher

જિલ્લામાં ૧૩૪ ઉમેદવારો પૈકી ૧૩૩ ઉમેદવારોએ સ્થળ પસંદગી કરી; પાત્ર ઉમેદવારોને સ્થળ પર જ નિમણૂક હુકમો એનાયત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત દ્વારા ધોરણ ૧ થી ૫ નાં નવનિયુક્ત વિદ્યાસહાયકો માટે સ્થળ પસંદગી કેમ્પનું આયોજન ઓલપાડ તાલુકાની સેગવાછામા સ્થિત સર્વોદય વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરૂણ અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલા સદર કેમ્પમાં કુલ ૧૩૪ ઉમેદવારો પૈકી ૧૩૩ ઉમેદવારોએ પોતાની પસંદગી મુજબની શાળાઓ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જાતિ પ્રમાણપત્રની ખરાઈ બાકી હોય તેવાં ૧૪ ઉમેદવારોને બાદ કરતાં અન્ય તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરનાર ઉમેદવારોને સ્થળ પર જ નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતાં.
સમગ્ર સ્થળ પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક, નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોને તેમની પસંદગી મુજબ શાળાની ફાળવણી મળી રહે અને નિમણૂકની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય ડો. હિરેન વ્યાસ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, દરેક તાલુકાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બીટ નિરીક્ષકો, બી.આર.સી. કો-ઓર્ડિનેટરો તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટરો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાથી સુરત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની પ્રવર્તમાન ઘટમાં નોંધપાત્ર ઘટાડો થશે, પરિણામે શાળાઓમાં શૈક્ષણિક કાર્યને વધુ વેગ મળશે ઉપરાંત બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાનાં પ્રયાસોને વધુ બળ મળશે. નવનિયુક્ત વિદ્યાસહાયકોની શૈક્ષણિક સફરનો પ્રારંભ અને જિલ્લાની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં આ કેમ્પ એક મહત્વપૂર્ણ કદમ બની રહ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
