સાકરદા ખાતે રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે SNID પોલિયો અભિયાનનો પ્રારંભ
Contact News Publisher

તાપી જિલ્લામાં ૭૦ હજારથી વધુ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવાનું લક્ષ્ય, ૫૬૧ બુથ સહિત ૫૯૯ ટીમો કાર્યરત
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. :- સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નવેમ્બર ૨૦૨૬ અંતર્ગત તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સાકરદા ગામ ખાતે પોલિયો રસીકરણ બુથનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ બાળકને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે તેમણે જણાવ્યું કે, ભારત પોલિયોમુક્ત બન્યું છે, તેમ છતાં બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવા ૦ થી ૫ વર્ષનાં દરેક બાળકને પોલિયોના બે ટીપાં પીવડાવવા જરૂરી છે. એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની સૌએ જવાબદારીપૂર્વક કાળજી લેવી જોઈએ.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુજીત પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો, સરપંચશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લામાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ સરહદી વિસ્તારોમાં ટ્રાન્ઝિટ ટીમો દ્વારા પણ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલિયો બુથ પર ન આવી શકેલા બાળકોને આગામી દિવસોમાં આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે, જેથી કોઈ બાળક રસીકરણથી વંચિત ન રહે.
આ ઉપરાંત તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વાલોડ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બુહારી ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે તેમજ વ્યારા બ્લોકના ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ સિસલેના હસ્તે SNID પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
CDHO ડો. સુજીત પરમારે જણાવ્યું કે, તાપી જિલ્લામાં SNID અભિયાન અંતર્ગત સંપૂર્ણ માઇક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ ૭૦ હજારથી વધુ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ માટે ૫૬૧ પોલિયો બુથ, ૨૮ ટ્રાન્ઝિટ પોઇન્ટ અને ૧૦ મોબાઇલ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
ખાનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં RCHO ડો. ભાર્ગવ દવે, તાલુકા આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ વાલીઓને અપીલ કરવામાં આવે છે કે, પોતાના ૦ થી ૫ વર્ષનાં તમામ બાળકોને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવે. બાળકોના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે આ રસીકરણ અભિયાનમાં સહભાગી બની એક પણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ન રહે તેની ખાતરી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
○○○
