સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિશ્વ સેવાળ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા વિશ્વ સેવાળ દિવસ (World Algae Day) નિમિત્તે વિદ્યાર્થીઓમાં સેવાળનું પર્યાવરણીય, વૈજ્ઞાનિક અને આર્થિક મહત્ત્વ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વનરાજ ઉત્તર બુનિયાદી શાળા, સિલટવેલ, ઉકાઈના કુલ ૧૧૯ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન શ્રી હાર્દિક સિકોતરિયા અને શ્રી કુલદીપ પીઠિયા દ્વારા સેવાળનું મહત્ત્વ, જળપર્યાવરણમાં તેની ભૂમિકા, જળચર જીવો માટે તેનું યોગદાન તેમજ કૃષિ, મત્સ્યપાલન અને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં સેવાળના ઉપયોગો અંગે રસપ્રદ અને માહિતીપ્રદ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વિકસે તે હેતુથી સેવાળ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ સેવાળ અને જળપર્યાવરણ સંબંધિત પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું.
આ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં જળચર જૈવવિવિધતા, પર્યાવરણ સંરક્ષણ અને જળસંસાધનોના ટકાઉ ઉપયોગ અંગે જાગૃતિ કેળવવાની સાથે વિજ્ઞાન અને મત્સ્યપાલન ક્ષેત્ર પ્રત્યે રસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા ભવિષ્યમાં પણ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે આવા જાગૃતિમૂલક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
