નવરાત્રિ દરમિયાન મહિલા સુરક્ષા માટે તાપી જિલ્લા 181 અભયમ ટીમની જાગૃતિ ઝુંબેશ

0
નવરાત્રિ દરમિયાન મહિલા સુરક્ષા માટે તાપી જિલ્લા 181 અભયમ ટીમની જાગૃતિ ઝુંબેશ
Contact News Publisher

વ્યારા ખાતે દક્ષિણાપથ કન્યા છાત્રાલયના ગરબા કાર્યક્રમની મુલાકાત લઈ મહિલાઓ અને યુવતીઓને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું; મુશ્કેલીના સમયે 181 અને તાત્કાલિક કટોકટીમાં 112નો સંપર્ક કરવા અપીલ

—

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૧૨. તાપી જિલ્લાના વ્યારા ખાતે નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબાની ઉજવણી કરી શકે તે હેતુથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા દક્ષિણાપથ કન્યા છાત્રાલય ખાતે યોજાયેલા ગરબા કાર્યક્રમની મુલાકાત લઈ મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

 

આ દરમિયાન ટીમે મહિલાઓ, યુવતીઓ અને ખેલૈયાઓ સાથે સંવાદ સાધી છેડતી, અયોગ્ય સ્પર્શ, અશોભનીય ટિપ્પણી, પીછો કરવો, ધમકી કે અન્ય કોઈપણ પ્રકારની હેરાનગતિની પરિસ્થિતિમાં સાવચેત રહેવા અને પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 

નવરાત્રિ દરમિયાન મોડી રાત્રે અવરજવર કરતી વખતે વિશ્વાસુ વ્યક્તિઓ સાથે રહેવા, પરિવારજનોને આવવા-જવાના સમયની જાણ કરવા, મોબાઇલ ફોન ચાર્જ રાખવા તથા સુરક્ષિત અને પ્રકાશિત માર્ગનો ઉપયોગ કરવા સમજાવવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની અસુરક્ષાનો અનુભવ થાય તો નજીકના સુરક્ષાકર્મી અથવા પોલીસની મદદ લેવા તેમજ જરૂરિયાતના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.

 

181 અભયમ હેલ્પલાઇન દ્વારા ઘરેલું હિંસા, માનસિક કે શારીરિક હેરાનગતિ, છેડતી, ધમકી સહિતની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મહિલાઓને માર્ગદર્શન અને સહાય મેળવવા અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત 181 અભયમ મોબાઇલ એપ્લિકેશન અને તેની ઉપલબ્ધ સુવિધાઓ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.

 

મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ વધે, તેઓ મુશ્કેલીના સમયે સંકોચ વિના મદદ મેળવી શકે અને તહેવારની ઉજવણી ભયમુક્ત વાતાવરણમાં કરી શકે તે આ જાગૃતિ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ છે.

 

નવરાત્રિ દરમિયાન કે અન્ય કોઈપણ સમયે છેડતી, હેરાનગતિ, ધમકી કે અસુરક્ષાનો અનુભવ થાય તો ચૂપ ન રહેતાં સહાય માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અને તાત્કાલિક કટોકટીની સ્થિતિમાં 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવા અનુરોધ કરાયો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *