આયુષ્માન ભારત કાર્ડ વાલોડના ઉર્વશીબેન માટે બની આરોગ્યની સુરક્ષા કવચ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 05 – સામાન્ય કે મધ્યમ વર્ગના પરિવાર માટે આજે ભલે બધું બરાબર ચાલતું હોય, પણ “કાલે અચાનક કોઈ ગંભીર બીમારી આવશે તો શું?” આ એક જ વિચાર પરિવારનો માળો વિખેરી નાખવા માટે પૂરતો હોય છે. સારવારના મોટા ખર્ચનો ભય માણસને સતત ચિંતામાં રાખે છે. આવી પરિસ્થિતિમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ સામાન્ય નાગરિકો માટે માત્ર મદદ નથી બનતી, પરંતુ ભવિષ્ય માટે એક મોટો આત્મવિશ્વાસ પૂરો પાડે છે.
વાલોડ તાલુકાના લાભાર્થી ઉર્વશીબેન પ્રકાશભાઈ ચૌધરી માટે આયુષ્માન ભારત યોજના આવી જ એક ભવિષ્યની છત્રછાયા સાબિત થઈ છે. ઉર્વશીબેને પોતાના અનુભવ અંગે વાત કરતા જણાવ્યું કે, આયુષ્માન કાર્ડ હોવાને કારણે આજે તેમને પોતાના અને પરિવારના ભવિષ્ય અંગે મોટી નિશ્ચિંતતા મળી છે.
તેમણે કહ્યુ કે, જો આવનારા સમયમાં ન કરે નારાયણ ક્યારેય પણ કોઈ ગંભીર બીમારી આવી પડે, તો પણ તેમણે કે તેમના પરિવારે આર્થિક ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. બીમારીના સમયે કોઈની પણ સામે હાથ લંબાવવો ન પડે કે વ્યાજે પૈસા લાવવાની નોબત ન આવે, એ જ આ કાર્ડ થકી મળેલી સાચી શાંતિ છે. હવે તેઓ જાણીતી અને શ્રેષ્ઠ હોસ્પિટલોમાં પણ નિઃસંકોચ મફત અને સુવિધાજનક સારવાર મેળવી શકે છે.
કોઈપણ પ્રકારના નાણાકીય બોજ વગર વર્તમાન અને ભવિષ્યની સ્વાસ્થ્ય સારવાર સુનિશ્ચિત કરતી આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબો માટે સાચા અર્થમાં રક્ષાકવચ સમાન છે. આજના સમયમાં આવી આર્થિક સુરક્ષા અને ભવિષ્ય માટે નિશ્ચિંતતા પૂરી પાડવા બદલ ઉર્વશીબેને હૃદયપૂર્વક સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
