પૂજ્ય ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારી સ્વચ્છતા જાળવવી એ જ બાપુને સાચી શ્રદ્ધાંજલિ : તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરી

સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને સ્વચ્છતા જાળવવા તાપી જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ
—
ગાંધી જયંતિએ તાપી જિલ્લામાં સ્વચ્છતાનો સંદેશ, અધિકારીઓ-જનપ્રતિનિધિઓએ કર્યું સામૂહિક શ્રમદાન
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 2.:- ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ વ્યારા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારવા અને સ્વચ્છતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવો એ જ બાપુને સાચી શ્રદ્ધાંજલિ છે. સ્વચ્છતા જાળવવી તેમજ અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે જાગૃત કરવા સૌની સામૂહિક જવાબદારી છે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ સ્વચ્છતાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવા અને સ્વચ્છતા જાળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.
ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી સહિત નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ, નાયબ કલેક્ટરશ્રી તેજલ પટેલ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ, વ્યારા નગરપાલિકાના પ્રમુખ ડૉ. પ્રિયા પટેલ, ચીફ ઓફિસરશ્રી વંદનાબેન ડોબરિયા, મામલતદારશ્રી મનીષભાઈ ભોય સહિતના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ વ્યારા જૂના બસ સ્ટેશન આસપાસના વિસ્તારમાં સામૂહિક સફાઈ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કરીને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતા અંગે જનભાગીદારી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
