ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા

૧૯૩૦ની ઐતિહાસિક દાંડીકૂચ દરમિયાન પૂજ્ય બાપુએ ભટગામ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૨. ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળા ખાતે આજરોજ પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૭ મી જન્મ જયંતિની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૩૦ ની ઐતિહાસિક દાંડીકૂચ દરમિયાન પૂજ્ય બાપુએ ભટગામ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું. આ ઐતિહાસિક સ્થળે આજે પણ ગાંધીજીનાં પગલાની યાદ તાજી છે. આ પવિત્ર ભૂમિ પર ગાંધી જયંતિની ઉજવણી એ ગામ માટે ગૌરવની બાબત છે.
કાર્યક્રમની શરૂઆત પ્રભાતફેરીથી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ રઘુપતિ રાઘવ રાજા રામ ભજન અને ગાંધીજીનાં પ્રિય સૂત્રો સાથે ગામમાં ફેરી કરી હતી. ત્યારબાદ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. શાળાનાં આચાર્ય વિજય પટેલે ગાંધીજીનાં જીવનનાં સત્ય, અહિંસા અને સ્વાવલંબનનાં સિદ્ધાંતો વિશે પ્રેરક ઉદબોધન કર્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દાંડીપથ સ્થિત ગાંધી નિવાસ ખાતે ચરખા કાંતણ, સર્વધર્મ પ્રાર્થના અને સ્વચ્છતા અભિયાન જેવાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. અત્રેનાં કન્વીનર કમ કેરટેકર ગૌરવ ગોસ્વામી તથા કાર્તિક પટેલે સૌને વ્યસનમુક્તિ અને સ્વચ્છતાનાં શપથ લેવડાવ્યા હતાં. અહીં યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધાનાં વિજેતાઓને તેમણે ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
બીજીતરફ શાળા પરિસરમાં ઉપશિક્ષિકા નિમિષા પટેલ, જીનલ પટેલ તથા કલ્પના પટેલનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ આકર્ષક રંગોળી તૈયાર કરી હતી. આ તકે તેમણે વિધાર્થીઓ સમક્ષ ગાંધીજીનાં જીવન ચરિત્રની વાતો રજૂ કરી હતી. કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, વાલીજનો સહભાગી બન્યા હતાં. અંતમાં શાળાનાં ઉપશિક્ષક દિપક પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
