અંબાજીમાં એવોર્ડી શિક્ષકોનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન ૨૯ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, એસ.ટી. સ્માર્ટ કાર્ડ અને ૨૮ શિક્ષકોને વિશિષ્ટ પારિતોષિક એનાયત

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૯. પાલનપુરનાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ સદર કાર્યક્રમમાં શિક્ષકોને બિરદાવતાં તેમણે જણાવ્યું હતું કે મારા સિવાય મારો આખો પરિવાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલો છે અને માં અંબાનાં ધામમાં વિદ્યાદાતા ગુરુજનોનાં દર્શન કરવાનો અવસર મળ્યો તે ગૌરવની વાત છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ.આઈ. જોશીએ મુખ્ય વક્તા તરીકે જણાવ્યું હતું કે જે શિક્ષક વિદ્યાર્થીનાં જીવનમાં આમૂલ પરિવર્તન લાવે તે જ સાચો શ્રેષ્ઠ શિક્ષક છે. આ પ્રસંગે શ્રીરામ વિદ્યાલય પાલનપુરનાં મેનેજિંગ ટ્રસ્ટી રામચંદ્રભાઈ એસ. ગોવિંદા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
અધિવેશનમાં વર્ષ ૨૦૨૫ માં રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ૨૯ શિક્ષકોનું વિશેષ સન્માન કરી ગુજરાત એસ.ટી. નિગમની બસોમાં નિઃશુલ્ક મુસાફરી માટેનાં સ્માર્ટ કાર્ડ એનાયત કરાયા હતાં. જ્યારે ક્રિડા સાધના, રમત માર્ગદર્શક, વિદ્યાનિધિ, પર્યાવરણ રક્ષક, વિજ્ઞાન સાધના અને સમાજ રત્ન સહિતનાં વિશિષ્ટ પારિતોષિકો ૨૮ શિક્ષકોને આપવામાં આવ્યા હતા. જેમાં પુંસરી પ્રાથમિક શાળા તા.જિ. દાહોદનાં સુરેશભાઈ રમેશભાઈ માળીને સન્માનપત્ર તથા એસ.ટી. સ્માર્ટ કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. કારોબારી તથા સાધારણ સભામાં ફેડરેશનનું ઈ-મેગેઝીન શરૂ કરવા, નવી ડિરેક્ટરી તૈયાર કરવા અને બંધારણની પુનઃરચના અંગે મહત્વનાં નિર્ણયો લેવાયા હતા. અંબાજી ટેમ્પલ કમિટીનાં વહીવટદાર કૌશિકભાઈ મોદી, મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન મનુભાઈ ચોકસી તથા ટાટા મોટર્સનાં કનુભાઈ અગ્રવાલ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. મહામંત્રી સંજયભાઈ પટેલે ફેડરેશનની રૂપરેખા રજૂ કરી હતી. પ્રમુખ શૈલેષભાઈ પટેલે સ્વાગત પ્રવચન અને ઉમેશભાઈ પટેલે આભારવિધિ કરી હતી.અધિવેશનને સફળ બનાવવા બનાસકાંઠાનાં એવોર્ડી શિક્ષકો વીરચંદભાઈ પંચાલ, શિવરામભાઈ પ્રજાપતિ, કનુભાઈ આચાર્ય, ઉમેશભાઈ પટેલ અને ચંદુભાઈ મોદી સહિતનાં હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
