તાપી ગણેશોત્સવ વિશેષ : નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી

0
તાપી ગણેશોત્સવ વિશેષ : નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી
Contact News Publisher

ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓથી વર્ષે નહીં, સીઝનમાં જ રૂ. ૭૦ હજારથી ૧ લાખ સુધીની આવક

ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે

પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને બદલે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓને પ્રાધાન્ય આપવા KVKના વૈજ્ઞાનિક ડો. સી.ડી. પંડ્યાની ગણેશભક્તોને અપીલ

સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મળેલ તક અને પ્રોત્સાહન થકી હું પગભર બની શકી :- જયશ્રીબેન ચૌધરી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૨. :- પર્યાવરણ સંરક્ષણની દિશામાં આજે વિવિધ સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન ચૌધરી પોતાની કલાત્મક પ્રતિભા અને કારીગરીને પર્યાવરણમૈત્રી સર્જન સાથે જોડીને આત્મનિર્ભરતાની નવી દિશા કંડારી રહ્યા છે. નાળિયેરના રેસામાંથી તૈયાર થતી તેમની ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ મહિલા સશક્તિકરણ સાથે પર્યાવરણ જતનનું પણ સુંદર ઉદાહરણ બની છે.

 

વર્ષ ૨૦૧૯માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા, ગુજરાત માટીકામ કલાકારી બોર્ડ તથા રૂલર ટેકનોલોજી સંસ્થા, બાજીપુરાના સંયુક્ત ઉપક્રમે બોરખડી ગામે રૂલર ક્રાફ્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ગામની ૩૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન મેળવેલા કૌશલ્ય અને માર્ગદર્શનનો ઉપયોગ કરીને જયશ્રીબેને ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું હતું.

 

આ પ્રસંગે જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું કે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગુજરાત માટીકામ તરફથી મેં તાલીમ મેળવી હતી. વર્ષ ૨૦૧૯માં તાલીમ લીધા બાદ તરત જ આ કામ શરૂ કર્યું. આજે આ ક્ષેત્રમાં કામ કરતાં મને સાત વર્ષ થયા છે અને હું ખૂબ જ સુવ્યવસ્થિત રીતે મારા વ્યવસાયને આગળ ધપાવી રહી છું.

 

તેમણે વધુમાં ઉમેર્યું કે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, માટીકામ તથા સખી મંડળ તરફથી સતત સારો સહયોગ મળ્યો છે. વન વિભાગ દ્વારા વેચાણ માટે દુકાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વ્યવસાય થકી હું આત્મનિર્ભર બની શકી છું, તે બદલ તાપી જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનું છું.

 

જયશ્રીબેન મુખ્યત્વે નાળિયેરના રેસાનો ઉપયોગ કરીને ગણેશ મૂર્તિઓ તૈયાર કરે છે. આ મૂર્તિઓ વજનમાં હલકી હોવા ઉપરાંત મજબૂત અને પર્યાવરણને અનુકૂળ છે. ખાસ કરીને વિસર્જન બાદ જળસ્રોતો પર થતી પ્રતિકૂળ અસરને ઘટાડવામાં આવી મૂર્તિઓ મહત્વપૂર્ણ બની શકે છે.

 

તાલીમથી શરૂ થયેલી આ કારીગરી આજે જયશ્રીબેન માટે માત્ર સર્જનાત્મક અભિવ્યક્તિ પૂરતી સીમિત રહી નથી, પરંતુ તે તેમની આર્થિક આત્મનિર્ભરતાનું પણ મજબૂત માધ્યમ બની છે.

 

સરકારશ્રી, જિલ્લા વહીવટી તંત્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સખી મંડળ અને વન વિભાગના સહયોગથી જયશ્રીબેનના ઉત્પાદનોને બજાર મળ્યું છે. તેઓ હાલમાં સરેરાશ રૂ. ૧૫,૦૦૦ જેટલી માસિક આવક મેળવી રહ્યા છે, જ્યારે ગણેશોત્સવની સીઝન દરમિયાન તેમની આવક રૂ. ૭૦ હજારથી રૂ. ૧ લાખ સુધી પહોંચી જાય છે.

 

આમ, પર્યાવરણમૈત્રી કારીગરીને વ્યવસાયનું સ્વરૂપ આપી જયશ્રીબેને પોતાના પગભર થવાની સાથે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

જયશ્રીબેનની ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી આવે છે કે રાજપીપળાથી આવતા ગ્રાહક-ભાવિભક્ત આશિષ ઢોડિયા છેલ્લા પાંચ વર્ષથી વ્યારા આવીને તેમની પાસેથી જ ગણેશજીની મૂર્તિ ખરીદી પોતાના ઘરે સ્થાપિત કરે છે.

 

શ્રી ઢોડિયાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા અને વર્તમાનપત્રો દ્વારા આ મૂર્તિઓ વિશે જાણીને હું પ્રભાવિત થયો હતો. છેલ્લા પાંચ વર્ષથી હું અહીંથી જ ગણેશજીની મૂર્તિ ખરીદું છું. આ મૂર્તિઓ પર્યાવરણ માટે સુરક્ષિત હોવાની સાથે ટકાઉ અને વજનમાં હલકી પણ છે.

 

વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી.ડી. પંડ્યાએ જણાવ્યું કે, જયશ્રીબેન માત્ર ગણેશ ચતુર્થી પૂરતું જ કામ કરતા નથી, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ચકલીના ઘર, પેન સ્ટેન્ડ, ઘર સુશોભનની વિવિધ વસ્તુઓ સહિતની અનેક ક્રાફ્ટ વસ્તુઓ પણ બનાવે છે.

 

જયશ્રીબેનના ઉત્પાદનોને બજાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા રેલવે સ્ટેશન નજીક વેચાણ માટે દુકાન ફાળવવામાં આવી છે. તાપી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સખી મંડળ દ્વારા માર્કેટિંગ અને પ્રોત્સાહનમાં પણ સહયોગ આપવામાં આવે છે.

 

પરિણામે, વર્ષ ૨૦૧૯માં એક તાલીમથી શરૂ થયેલી જયશ્રીબેનની સફર આજે કૌશલ્ય વિકાસ, મહિલા આત્મનિર્ભરતા અને પર્યાવરણ જતનના સુંદર સમન્વય સાથે સફળ વ્યવસાયનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.

 

ગણેશોત્સવની ઉજવણી સાથે પર્યાવરણનું જતન થાય તે માટે જયશ્રીબેન ચૌધરી અને KVKના વૈજ્ઞાનિક ડો. સી.ડી. પંડ્યા ગણેશભક્તોને અપીલ કરે છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને બદલે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓને પ્રાધાન્ય આપવું જોઈએ.

 

પરંપરા અને શ્રદ્ધાની ઉજવણી સાથે પ્રકૃતિનું રક્ષણ પણ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. તાપીની જયશ્રીબેનની આ પહેલ દર્શાવે છે કે સ્થાનિક કારીગરી, યોગ્ય તાલીમ અને સરકારી સહયોગના સમન્વયથી આત્મનિર્ભરતા સાથે પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ અસરકારક પગલું ભરી શકાય છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *