વ્યારા શહેરમાં હજારો હાથોએ હજાર ફૂટથી વધુ લાંબો રાષ્ટ્રધ્વજ ગર્વભેર ઝીલ્યો

તાપીવાસીઓએ સાબિત કર્યું કે, વ્યક્તિઓ અનેક, ભાવના એક
—
રાષ્ટ્રધ્વજ એ માત્ર એક કાપડનો ટુકડો નથી, પણ તે આપણા બધાની એકતા, અહિંસા અને આઝાદીનું પ્રતીક છે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૩. :- તાપી જિલ્લાકક્ષાની ભવ્ય ત્રિરંગા યાત્રામાં ૨૩ હજારથી વધુ બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો, અધિકારી-પદાધિકારી, નિવૃત્ત સૈનિકો અને જનપ્રતિનિધિઓ સહિત તમામ દેશપ્રેમીઓ જોડાયા હતા. શહેરના એક ખૂણેથી ‘વંદે માતરમ્’ અને ‘જય હિંદ’ના નારા ગુંજી રહ્યા હતા. હજારો હાથોમાં ત્રિરંગો અને મુખ દેશભક્તિના નારાઓથી ગૂંજી રહ્યા હતા.આ વિશાળ જનમેદનીમાં દરેક ઉંમરના લોકો હાજર હતા. વડીલોની આંખોમાં આઝાદીની લડતના સ્મરણો તરવરી રહ્યા હતા, તો યુવાનોના ચહેરા પર વિકસિત ભારતના નિર્માણનો જોશ છલકાઈ રહ્યો હતો.
આ કોઈ રાજકીય કે સામાજિક કાર્યક્રમ નહોતો, આ તો રાષ્ટ્રપ્રેમનો મહોત્સવ હતો. ભીડમાં દરેક વર્ગના લોકો ખભેખભા મિલાવીને ઉભા હતા. દરેકના મુખ પર એક જ નારો હતો, “ભારત માતા કી જય”. નિવૃત્ત ફોજી ભાઈઓ પોતાના મેડલ સાથે ગર્વથી ચાલી રહ્યા હતા, જે યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. વ્યારા આજે જાણે એક મોટું કુટુંબ બની ગયું હતું.
જેમ જેમ યાત્રા આગળ વધી, તેમ શહેરના મુખ્ય માર્ગો પર એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતુ. ૨૩ હજારથી વધુ લોકોએ મળીને હજાર ફૂટથી પણ લાંબો ત્રિરંગો ગર્વભેર પકડ્યો હતો. ઊંચાઈ પરથી જોતાં એવું લાગ્યુ કે, જાણે કેસરી, સફેદ અને લીલા રંગની એક પવિત્ર નદી વ્યારા શહેરમાંથી વહી રહી હોય… આ વિશાળ ત્રિરંગો એકતા અને અખંડિતતાનું પ્રતીક બન્યુ હતુ.
વ્યારાની આ ત્રિરંગા યાત્રામાં સહભાગી થનાર પ્રત્યેક નાગરિકે સાબિત કરી બતાવ્યું કે, જ્યારે રાષ્ટ્રની વાત આવે, ત્યારે આપણે સૌ ભારતીયો છીએ અને એકસાથે છીએ. આ યાત્રાએ દરેકના હૃદયમાં દેશભક્તિની જ્યોત વધુ પ્રજ્વલિત કરી અને સાબિત કર્યું કે આપણી વિવિધતામાં જ આપણી એકતા છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
