આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નિઝર ખાતે ઇનોવેશન કીટ વર્કશોપના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓને પ્રાયોગિક સમજ અપાઈ

(મુકેશ પાડવી દ્વારા વેલ્દા-નિઝર) : તા. ૧૨. તાપી જિલ્લાના નિઝર તાલુકાના નિઝર ગામે તા.૧૨/ ઓગસ્ટ, ૨૦૨૬ એસ. જી. પટેલ આર્ટ્સ એન્ડ પી. કે. દેસાઈ કોમર્સ કોલેજ, નિઝર ખાતે તા. ૧૦/૦૮/૨૦૨૬ થી ૧૫/૦૮/૨૦૨૬ દરમિયાન આયોજિત છ દિવસીય ઇનોવેશન કીટ વર્કશોપના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ અંગે વિસ્તૃત અને પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. વર્કશોપના ત્રીજા દિવસે ટ્રેનર શ્રી મનુસિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ટેલિસ્કોપની રચના, કાર્યપદ્ધતિ તથા તેના વિવિધ ઉપયોગો અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. ટેલિસ્કોપમાં લેન્સ અને અરીસાની ભૂમિકા, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, મેગ્નિફિકેશન તથા આકાશીય પદાર્થોના અવલોકન અંગે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને ટેલિસ્કોપની કાર્યપ્રણાલીનું પ્રાયોગિક નિદર્શન પણ કરાવવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, નિરીક્ષણશક્તિ, પ્રશ્નોત્તરી અને નવીન વિચારસરણી વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટેલિસ્કોપ અને ખગોળવિજ્ઞાન સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા.
આ છ દિવસીય વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઇનોવેશન કીટના વિવિધ સાધનોનો પરિચય કરાવીને તેમની સર્જનાત્મકતા, પ્રયોગાત્મક અભિગમ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવાનો છે.આ સમગ્ર વર્કશોપનું આયોજન કોલેજના ઇનોવેશન ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમના કોઓર્ડિનેટર ડૉ. કીર્તિ એન. જિવરાજાણી અને શ્રી જતીન કાપડિયા દ્વારા વર્કશોપનું સુચારુ આયોજન અને સંકલન કરવામાં આવી રહ્યું છે. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને નવી ટેકનોલોજી તથા વૈજ્ઞાનિક સાધનો અંગે જ્ઞાન મેળવી રહ્યા છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
