ઓલપાડ ખાતે ધોરણ 3 ગણિતનાં નવા પાઠ્યપુસ્તક અંગે ત્રિ-દિવસીય શિક્ષક તાલીમ વર્ગ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૩૦. બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્રારા અત્રેની ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ધોરણ 3 ગણિતનાં નવા પાઠ્યપુસ્તક અંગે શિક્ષકો માટે ત્રિ-દિવસીય
તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ વર્ગનાં તજજ્ઞો એવાં નિલેશ પટેલ (સીમલથુ), હિતેશ પટેલ (સમૂહ વસાહત), વિનોદ ત્રિવેદી (અસ્નાબાદ), દિવ્યેશ પટેલ (ધનશેર), તથા હર્ષદ પટેલે (મોરથાણ) શિક્ષકોને નવા પાઠ્યપુસ્તકનાં તમામ પ્રકરણોની તબક્કાવાર વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે શિક્ષકોને નવી શિક્ષણ પદ્ધતિને અસરકારક રીતે પોતાનાં વર્ગખંડમાં અમલમાં મૂકી શકે તે માટે તાલીમ મોડ્યુલ, પાઠ્યપુસ્તક, ગણિત અભ્યાસક્રમનાં ધ્યેયો તથા વિવિધ ક્ષમતાઓ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.
તાલીમ વર્ગમાં લાયઝન તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરતનાં ચેતન મહેતા તથા વર્ગ સંચાલક તરીકે મુળદનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રેશ્મા પટેલે સફળતાપૂર્વક સેવા બજાવી હતી. તાલીમનાં પ્રારંભે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે તાલીમાર્થીઓને આવકારી જણાવ્યું હતું કે આ પુસ્તકનો હેતુ એક જ છે, બાળકોને ગણિતનો ડર કાઢીને તેને રમત બનાવી દેવી. જેથી બાળકો ગણતરીની સાથે વિચારવાનું પણ શીખે. તેમણે ઉમેર્યુ હતું કે પ્રવૃત્તિઓ અને રોજિંદા જીવનનાં ઉદાહરણોથી બાળક પોતે ગણીને શીખે છે. તેનાથી બાળકની સમસ્યા ઉકેલવાની શક્તિ વધે છે. તાલીમનાં પ્રથમ દિવસે પ્રિ-ટેસ્ટ તથા અંતિમ દિવસે પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
