તાપી જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં ૩,૫૦૦થી વધુ કેસોનો સુખદ નિકાલ

0
તાપી જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં ૩,૫૦૦થી વધુ કેસોનો સુખદ નિકાલ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લાની તમામ કોર્ટોમાં તા. ૧૨/૦૯/૨૦૨૬ ના રોજ લોક અદાલત યોજાઈ હતી.

 

આ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, તાપી-વ્યારાના ચેરમેન તથા જિલ્લા મુખ્ય ન્યાયાધીશશ્રી ટી.એસ. બ્રહ્મભટ્ટ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધિક જિલ્લા ન્યાયાધીશશ્રી ડી.આર. વ્યાસ, સિનિયર સિવિલ જજશ્રી એમ.ડી. નંદાણી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવશ્રી વાય.બી. ગામીત, કોર્ટ સ્ટાફ, વકીલશ્રીઓ તથા પક્ષકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

લોક અદાલતનો મુખ્ય હેતુ લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોનો ઝડપી, સરળ અને ખર્ચમુક્ત ન્યાય દ્વારા નિકાલ કરવાનો છે. આ લોક અદાલતમાં નાગરિક તથા ફોજદારી કેસો ઉપરાંત બેંક લોન, વીજળી, પાણી, વાહન અકસ્માત વળતર, પરિવાર સંબંધિત તેમજ અન્ય વિવિધ પ્રકારના કેસો રજૂ કરવામાં આવ્યા હતા.

 

તમામ કેસોને અલગ-અલગ ત્રણ કેટેગરીમાં વિભાજિત કરીને નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રી-લિટિગેશનના કુલ ૮૨૬૨ કેસોમાંથી ૧૫૩૨ કેસોનો રૂ. ૯૮,૪૨,૨૭૦ની સેટલમેન્ટ રકમ સાથે નિકાલ થયો હતો.

 

સિવિલના કુલ ૩૨૮ કેસોમાંથી ૧૬૬ કેસોનો રૂ. ૩,૧૫,૮૬,૫૩૧ ની સેટલમેન્ટ રકમ સાથે નિકાલ કરાયો હતો, અને સ્પેશિયલ સિટીંગના કુલ ૧૯૨૩ કેસોમાંથી ૧૮૯૭ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.

 

લોક અદાલતના માધ્યમથી ન્યાયપ્રક્રિયા સરળ બની છે તેમજ પક્ષકારોને સમય, ખર્ચ અને માનસિક તણાવમાંથી મોટી રાહત મળી છે. ખાસ કરીને સામાન્ય નાગરિકોને ન્યાય સરળતાથી અને ત્વરિત રીતે પ્રાપ્ત થાય તે દિશામાં લોક અદાલત એક અસરકારક વૈકલ્પિક વિવાદ નિવારણ વ્યવસ્થા તરીકે સાબિત થઈ છે.

 

આ આયોજનમાં ન્યાયાધીશો, કાનૂની સેવા સત્તામંડળના અધિકારીઓ, વકીલશ્રીઓ તથા કોર્ટ સ્ટાફ દ્વારા મહત્વપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે નાગરિકોને લોક અદાલતના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વધુમાં વધુ લોકો તેનો લાભ લે તેવી અપીલ કરાઈ હતી. અંતે, આયોજક મંડળ દ્વારા આવા આયોજનોથી ન્યાયપ્રણાલીને વધુ લોકલક્ષી અને અસરકારક બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ સચિવશ્રી વાય. બી. ગામીત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, તાપી દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *