આપત્તિ વ્યવસ્થાપન માટે ‘યુવા આપદા મિત્રો’ની સાત દિવસીય તાલીમનો પ્રારંભ

વ્યારા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તા. ૦૩ થી ૦૯ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન તાલીમ યોજાશે
—
નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડે પ્રથમ દિવસે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૪. :- તાપી જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબૂત માળખું ઊભું કરવાના આશયથી એક વિશેષ પહેલના ભાગરૂપે જિલ્લાના NSS અને MYB (માય યુવા ભારત) ના વિદ્યાર્થીઓ માટે ‘યુવા આપદા મિત્રો’ની સાત દિવસીય નિવાસી તાલીમનું આયોજન વ્યારા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તા. ૦૩ થી ૦૯ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન કરવામાં આવ્યું છે.
શુક્રવારે તાલીમના પ્રથમ દિવસે તાપી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડે ખાસ ઉપસ્થિતિ નોંધાવી ડિઝાસ્ટર તાલીમની અગત્યતા વિશે સમજ પૂરી પાડતા તાલીમાર્થીઓને જણાવ્યું કે, સાત દિવસ દરમિયાન તમે અહીં જે પણ જીવનરક્ષક કૌશલ્યો શીખીને જાઓ, તેનો ઉપયોગ તમારા ગામ અને વિસ્તારમાં જઈ જનજાગૃતિ પ્રોગ્રામ કરવા માટે કરજો. જેથી સામાન્ય લોકો સુધી આપત્તિ વ્યવસ્થાપનનો સંદેશ પહોંચે અને વધુમાં વધુ લોકો મુશ્કેલ સમયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની અગત્યતા સમજી શકે.
આ તાલીમ અંતર્ગત તાપી જિલ્લાની ડિઝાસ્ટર શાખા (કલેક્ટર કચેરી) દ્વારા ‘માસ્ટર ટ્રેનર ઈમરજન્સી રેસ્કયુ ફોર્સ’ની ટીમ મારફત તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે.
સાત દિવસની આ નિવાસી તાલીમ દરમિયાન સુનામી, પૂર, ભૂકંપ, ઔદ્યોગિક અકસ્માત, સ્નેક બાઈટ (સર્પદંશ), ફાયર સેફ્ટી, શોધ અને બચાવ (Search and Rescue) કામગીરી તેમજ ઘાયલ વ્યક્તિઓને આપત્તિના સ્થળેથી સુરક્ષિત રીતે ઉપાડવાની પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
આ ઉપરાંત સમુદાય આધારિત પ્રાથમિક સારવાર અને સી.પી.આર. (CPR) જેવા અત્યંત મહત્વના વિષયો પર પ્રાયોગિક અને સૈદ્ધાંતિક તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તમામ સહભાગી વિદ્યાર્થીઓને ‘યુવા આપદા મિત્ર’ તરીકે ઓળખકાર્ડ (આઈ કાર્ડ), પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) અને આપત્તિ સમયે ઉપયોગી એવી વિશેષ રેસ્કયુ કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. સમગ્ર તાલીમ દરમિયાન નોડલ અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા નિયમિત મુલાકાત (વિઝિટ) લઈને તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ તકે જિલ્લા ડિઝાસ્ટર તંત્રના મામલતદારશ્રી આનંદકુમાર, ડીપીઓશ્રી કરણ ગામીત, ડિસ્ટ્રીક્ટ યુથ ઓફિસર, મેરા યુવા ભારત સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
