બે મહિનાથી વિખૂટા પડેલા માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતું “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 30 – તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઘસિયામેઢા ગામેથી ગત ૧૪મી જૂનના રોજ એક માનસિક અસ્વસ્થ મહિલા મળી આવ્યા હતા. જાગૃત નાગરિકની જાણ બાદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન મારફતે મહિલાને સુરક્ષિત આશ્રય અને મદદ માટે “સખી” વન સ્ટોપ સેન્ટર, તાપી ખાતે લાવવામાં આવ્યા હતા.
મહિલા પોતાનું નામ અને ગામનું નામ જણાવી શકતા હોવાથી સેન્ટરના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર અને ૧૮૧ના કાઉન્સિલર સ્વાતિબેન દ્વારા પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી તેમણે કંઈ ખાધું-પીધું ન હોવાથી તબિયત નબળી પડી હતી. સેન્ટર ખાતે તેમને તાત્કાલિક સારવાર, દવા અને ભોજન આપવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન મહિલા સુરત જિલ્લાના વતની હોવાનું જાણવા મળતાં સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસમાં મહિલા ગુમ થયાની ફરિયાદ નોંધાયેલી હોવાથી ફોટાના આધારે પરિવાર સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો. બે મહિનાથી ગુમ થયેલી દીકરી મળી હોવાના સમાચાર મળતા જ તેમની વૃદ્ધ માતા સેન્ટર ખાતે પહોંચ્યા હતા. માતા-દીકરીના ભાવનાત્મક મિલનથી ખુશીની લાગણી પ્રસરી હતી.
મહિલા માનસિક અસ્વસ્થતાના કારણે ઘરેથી નીકળી ગયા બાદ પરિવાર સતત શોધખોળ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં “સખી” વન સ્ટોપ સેન્ટર, તાપી પરિવાર માટે આશાનું કેન્દ્ર બન્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ધર્મેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર અને ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન શક્ય બન્યું હતું. પરિવારજનોએ તાપી જિલ્લા વહીવટી તંત્ર અને “સખી” વન સ્ટોપ સેન્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
