પાંડેસરા વિસ્તારમાં મળી આવેલ 17 વર્ષીય કિશોરીનું 181 અભયમ ટીમ દ્વારા પરિવાર સાથે સુરક્ષિત પુનઃમિલન કરાવાયુ
181

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૨૭. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 17 વર્ષીય કિશોરી ભુલી પડેલી હાલતમાં મળી આવતા એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી હસ્તક્ષેપ હાથ ધરી કિશોરીને સુરક્ષિત રીતે તેના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાંડેસરા વિસ્તારમાં એક કિશોરી એકલી બેઠેલી હોવાનું તથા પોતાનું નામ અને સરનામું સ્પષ્ટ રીતે જણાવી શકતી ન હોવાનું સ્થાનિક નાગરિકોએ નોંધ્યું હતું. આ અંગે જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાણ કરવામાં આવી હતી. કોલ પ્રાપ્ત થતા ટીમ ત્વરિત અસરથી સ્થળ પર પહોંચી હતી.
સ્થળ પર કિશોરી સાથે સંવેદનશીલતા અને બાળ સુરક્ષાના સિદ્ધાંતોને અનુરૂપ કાઉન્સેલિંગ તથા પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. કિશોરીએ જણાવ્યા મુજબ તેનું મૂળ વતન મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ છે અને તે અગાઉ તેના નાના-નાની સાથે રહેતી હતી. છેલ્લા બે મહિનાથી તે તેના માતા-પિતા સાથે સુરત શહેરમાં રહેવા આવી હતી. ઘરેલુ બાબતે થયેલા સામાન્ય મતભેદના કારણે તે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી અને વિસ્તાર અજાણ્યો હોવાથી પરત જવાનો માર્ગ ભૂલી ગઈ હતી.
કિશોરી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે 181 અભયમ ટીમે તેના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો. પરિવારજનોએ કિશોરી તેમની પુત્રી હોવાનું જણાવતા, ટીમ દ્વારા જરૂરી ચકાસણી બાદ કિશોરીને તેના માતા-પિતા અને ભાઈને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી. પરિવારજનોએ કિશોરીની શોધખોળ ચાલુ રાખી હોવાનું જણાવી 181 અભયમ ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
181 અભયમ ટીમ દ્વારા પરિવારના સભ્યોને કિશોરી સાથે સકારાત્મક અને સંવેદનશીલ વર્તન રાખવા, કોઈપણ પ્રકારના મતભેદ કે પ્રશ્નોના નિરાકરણ માટે શાંતિપૂર્ણ સંવાદનો માર્ગ અપનાવવા તેમજ બાળ અધિકારો અને સુરક્ષાના હિતમાં યોગ્ય વાતાવરણ જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં, કિશોરીને પણ ભવિષ્યમાં કોઈપણ સંજોગોમાં પરિવારને જાણ કર્યા વિના ઘર છોડીને બહાર ન નીકળવા તથા પોતાની સમસ્યાઓ અંગે પરિવારજનો સાથે ચર્ચા કરવા સમજાવવામાં આવ્યું હતું.
181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ અને બાળાઓની સુરક્ષા, રક્ષણ, માર્ગદર્શન અને કાઉન્સેલિંગ સેવાઓ માટે સતત કાર્યરત છે. જાગૃત નાગરિકની સતર્કતા અને 181 અભયમ ટીમના ત્વરિત તથા સંવેદનશીલ હસ્તક્ષેપના પરિણામે કિશોરીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
