ગુજરાતની ITIઓમાં AI થી લઇ EV વાહનો માટે નવા અભ્યાસક્રમો શરૂ કરાયા

રાજ્યભરની ITIઓIમાં AI, ડ્રોન ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક વ્હિકલ રિપેરિંગ, સોલાર એનર્જી અને 3D પ્રિન્ટિંગ જેવા નવા અભ્યાસક્રમો શરૂ કરાયાં
ઉભરતા ક્ષેત્રો માટે કુશળ માનવબળ તૈયાર કરવા તેમજ યુવાઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા રાજ્યમાં વ્યાપક કૌશલ્ય વિકાસ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર: 7 જુન, 2026 : ટેકનિકલ શિક્ષણને ઉભરતા ઔદ્યોગિક પ્રવાહો અને ભવિષ્યના રોજગાર બજાર સાથે સુસંગત બનાવવા માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ(ITI)માં વિવિધ “ન્યૂ-એજ” અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
નવા અભ્યાસક્રમોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડ્રોન પાયલોટ, સોલાર ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ, એડવાન્સ CNC મશીનિંગ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેક્નિશિયન (3D પ્રિન્ટિંગ), ટેક્નિશિયન મિકેટ્રોનિક્સ, કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ (CAM) પ્રોગ્રામર, IoT ટેક્નિશિયન (સ્માર્ટ એગ્રીકલ્ચર), IoT ટેક્નિશિયન (સ્માર્ટ સિટી) અને સ્માર્ટફોન ટેક્નિશિયન-કમ-એપ ટેસ્ટર જેવા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
ગુજરાતનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું કે, “નવીનીકરણીય ઊર્જા, ઇલેક્ટ્રિક મોબિલિટી, ઓટોમેશન, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેક્નોલોજી જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રો માટે કુશળ માનવબળ તૈયાર કરવા આ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.”
“રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)માં આ ન્યૂ-એજ અભ્યાસક્રમો શરૂ કરવાનો મુખ્ય હેતુ તાલીમ પ્રણાલીને બદલાતી ઔદ્યોગિક જરૂરિયાતો સાથે સુસંગત રાખવાનો છે. આ અભ્યાસક્રમો થકી યુવાઓ માટે રોજગારીની તકો ઊભી થશે.” શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું.

ગુજરાતની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર ITIમાં કુલ 11 નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જેના કારણે તાલીમાર્થીઓ માટે 3,312 નવી બેઠકો ઉમેરાઈ છે. તેમાં મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ અને સોલાર ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ) અભ્યાસક્રમો મોટા પાયે શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો પસંદગીની ITIમાં શરૂ કરવામાં આવ્યા છે.
ટેક્નોલોજી આધારિત આ નવા અભ્યાસક્રમો રાજ્યની કુલ 73 ITIમાં શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 67 સરકારી ITI, બે અનુદાનિત સંસ્થાઓ અને ચાર સ્વનિર્ભર સંસ્થાઓનો સમાવેશ થાય છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં યુવાનોમાં કુશળતા વધે અને રોજગારી મળે તે માટે દેશમાં સ્કિલ ઇન્ડિયા મિશન લોન્ચ કરવામાં આવ્યુ છે અને સ્કિલ ડેલવલમેન્ટ માટે મોટા પાયે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર તેમના આ વિઝનને અનુસરીને રોજગારીની નવી તકો સર્જી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં નવા વિકસતા ક્ષેત્રો માટે કુશળ માનવબળ તૈયાર કરવા તેમજ યુવાઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા રાજ્યમાં વ્યાપક કૌશલ્ય વિકાસનાં કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આવનારા વર્ષોમાં નવીનીકરણીય ઉર્જા અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થશે.
એક અધિકારીએ જણાવ્યું કે, “ગુજરાત દેશની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં 16.5 ટકા હિસ્સો ધરાવતા ભારતના અગ્રણી રાજ્ય તરીકે ઊભર્યું છે. ડિસેમ્બર 2025 સુધીમાં રાજ્યની સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 42.583 ગીગાવોટ સુધી પહોંચી હતી.”
સત્તાવાર આંકડા મુજબ, કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે તેમજ પવન ઊર્જા ઉત્પાદનમાં પણ પ્રથમ ક્રમે છે, જ્યારે સોલાર ઊર્જા ક્ષમતામાં બીજા સ્થાને છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “સોલાર ઊર્જા ક્ષેત્રમાં વિશાળ રોજગારીની સંભાવનાઓ છે અને ITIમાં સોલાર ટેક્નિશિયનનો અભ્યાસક્રમ શરૂ થવાથી ઉદ્યોગ માટે કુશળ માનવબળ તૈયાર થશે.”
તે જ રીતે, ઇલેક્ટ્રિક વાહનોના વધતા વપરાશને કારણે પ્રશિક્ષિત EV ટેક્નિશિયનની માંગમાં પણ વધારો થશે. આ વર્ષની (2026) શરૂઆતમાં ગુજરાતનાં ઇલેક્ટ્રિક વાહન બજારમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી. માર્ચ 2026 દરમિયાન રાજ્યમાં EV રજિસ્ટ્રેશનમાં આ વર્ષે 75.5 ટકાનો વધારો નોંધાયો હતો, જે ગ્રાહકોની વધતી માંગ, સરકારી પ્રોત્સાહનો અને કરરાહત પગલાંઓને કારણે શક્ય બન્યો હતો.
સત્તાવાર આંકડા મુજબ, માર્ચ 2026માં ગુજરાતમાં 12,729 EV રજિસ્ટ્રેશન નોંધાયા હતા, જ્યારે ગયા વર્ષના આ જ મહિનામાં આ આંકડો 7,252 હતો. માત્ર શુદ્ધ ઇલેક્ટ્રિક (પ્યોર ઇલેક્ટ્રિક) વાહનોના રજિસ્ટ્રેશનમાં 111 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 5,271 યુનિટમાંથી વધીને 11,126 યુનિટ સુધી પહોંચ્યા હતા.
“ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધતા તેમની જાળવણી અને રિપેરિંગ માટે પ્રશિક્ષિત ટેક્નિશિયનોની માંગ પણ વધશે. નવા EV મિકેનિકને સંબધિત અભ્યાસક્રમો આ વધતી માંગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.” એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્યભરની વિવિધ ITIમાં તાલીમ અને પ્રેક્ટિકલ શિક્ષણ માટે 40 ઇલેક્ટ્રિક વાહનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
હાલમાં ગુજરાતમાં 288 સરકારી ITI છે, જેમાં 1,77,912 બેઠકો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, 100 અનુદાનિત ITIમાં 16,200 બેઠકો અને 171 સ્વનિર્ભર ITIમાં 24,624 બેઠકો ઉપલબ્ધ છે. આમ, રાજ્યમાં કુલ 560 ITI છે, જેમાં મળીને 2,18,736 બેઠકોની ક્ષમતા ઉપલબ્ધ છે.
હાલમાં ગુજરાતની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં 138 વ્યાવસાયિક અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.
***
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
