યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીને માર્ગદર્શિત કરતા કલેક્ટરશ્રી ચૌધરી
Contact News Publisher

તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને લઘુમતી કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ગુરુવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લઘુમતી સમુદાયોના કલ્યાણ માટેના ૧૫ મુદ્દાના કાર્યક્રમની સમિતિની ત્રિમાસિક બેઠકમાં લઘુમતી સમુદાયોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ઉત્થાન માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ, શિક્ષણની વધુ તકો ઉપલબ્ધ કરાવવી, શાળાકીય શિક્ષણમાં પ્રવેશ વધારવો, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ, કૌશલ્યવર્ધન માટે ટેકનિકલ તાલીમ, સ્વરોજગાર અને રોજગારીની તકો ઊભી કરવી તેમજ આર્થિક પ્રવૃત્તિઓ માટે ધિરાણ સહાય ઉપલબ્ધ કરાવવા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર આપ્યો હતો.
આ ઉપરાંત, સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને પોષણ તથા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા, લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની તકો ઉપલબ્ધ કરાવવા અને સરકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં લઘુમતી સમુદાયના જરૂરિયાતમંદ પરિવારોને આવાસ સહાય, શહેરી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ, રોજગારી અને આર્થિક સશક્તિકરણની તકો ઉપલબ્ધ કરાવવા સહિતના મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ કોમી સંવાદિતા જાળવવા, સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રાખવા તેમજ કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય અને પુનઃસ્થાપન માટે જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, લઘુમતી સમુદાયોની બહુલ વસતી ધરાવતા વિસ્તારોમાં વિકાસલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને લઘુમતી સમુદાયના પાત્ર લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સમયસર અને પારદર્શક રીતે મળે તે સુનિશ્ચિત કરવા તેમજ યોજનાકીય કામગીરીનું નિયમિત નિરીક્ષણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સહિતના ઉચ્ચ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
●●●
