અજાણ્યા વ્યક્તિના કોલ પરથી ઉમરા ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી, મહિલાને સુરક્ષિત રીતે ઓલ્ડ એજ હોમમાં આશ્રય અપાવ્યો

0
181ab
Contact News Publisher

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : ગત રોજ એક અજાણ્યા વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જાણ કરી હતી કે આશરે 40 વર્ષીય એક પીડિતા રાંદેર વિસ્તારના મસાલ સર્કલ વોકવે ગાર્ડનમાં છેલ્લા લગભગ 10 દિવસથી રહેતી જોવા મળી રહી છે. પીડિતા હેરાન-પરેશાન હાલતમાં જણાતા કોલરે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ કોઈ જવાબ આપતા ન હતા તેમજ તેમનું માનસિક સ્વાસ્થ્ય અસ્થિર હોવાનું જણાતું હતું. તેથી તેમની મદદના હેતુસર 181 અભયમમાં કોલ કરવામાં આવ્યો.

માહિતી મળતા જ 181 અભયમની રેસ્ક્યૂ ટીમ ઉમરા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પીડિતા સાથે શાંતિપૂર્વક વાતચીત શરૂ કરી હતી. ટીમ દ્વારા તેમને આશ્વાસન આપી ઘરનું સરનામું યાદ કરવાનો પ્રયત્ન કરાવ્યો જેથી તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી શકાય.

કાઉન્સેલિંગ દરમિયાન પીડિતાએ પોતાનું નામ જણાવ્યું તેમજ પોતે અમદાવાદની રહેવાસી હોવાનું જણાવ્યું, પરંતુ તેઓ વારંવાર સરનામું બદલતા જણાવતા હતા. પીડિતા પાસે રહેલી નાની બેગની તપાસ કરતાં કોઈપણ પ્રકારના ઓળખપત્ર કે દસ્તાવેજો મળ્યા ન હતા.

ટીમ દ્વારા પીડિતાને ઘરનું સરનામું તથા પરિવારજનોનો મોબાઇલ નંબર યાદ કરાવવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, છતાં તેમને કંઈ યાદ આવી શક્યું ન હતું. પીડિતાએ પોતાના ઘરે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

સુરત શહેરમાં પીડિતાના કોઈ ઓળખીતાં કે સગાં-સંબંધીઓ મળી ન આવતા, 181 અભયમ ટીમ દ્વારા તેમને સુરક્ષિત રીતે ઓલ્ડ એજ હોમમાં આશ્રય અપાવવામાં આવ્યો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *