તાપી જિલ્લામાં હાઇવે પર આવેલી હોટલોનું ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સઘન ઇન્સ્પેક્શન
Contact News Publisher

વ્યારા-બાજીપુરા માર્ગની ચાર હોટલોની તપાસ; બે હોટલમાંથી મળી આવેલી અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ કરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. સમગ્ર રાજ્યમાં હાઇવે પર આવેલી હોટલોમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણોનું પાલન થાય તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારાથી બાજીપુરા વિસ્તાર સુધીના હાઇવે પર આવેલી હોટલોની ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન કુલ ચાર હોટલોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં હોટલ મહાદેવની તપાસ દરમિયાન આશરે બે કિલો મંચુરિયનનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે હોટલ ભારતીયની તપાસ દરમિયાન બે કિલો દહીંનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત નીલકંઠ મહાદેવ હોટલ તથા હોટલ સૌભાગ્યની પણ તપાસ કરવામાં આવી હતી. આ તમામ હોટલોમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ જરૂરી સ્વચ્છતા જાળવવા તેમજ ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તાપી જિલ્લાના સમગ્ર હાઇવે પર આવેલી હોટલોમાં આ પ્રકારની તપાસ અને નિરીક્ષણની કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. હોટલ સંચાલકો ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન કરે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે.
આઈસ્ક્રીમની દુકાનોમાં પણ ગ્રાહક જાગૃતિ માટે અભિયાન
હોટલોની તપાસની સાથે તાપી જિલ્લામાં આવેલી આઈસ્ક્રીમની દુકાનોમાં પણ ગ્રાહક જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત ગ્રાહકો સ્પષ્ટ રીતે સમજી શકે અને યોગ્ય માહિતીના આધારે ખરીદી કરી શકે તે માટે દુકાનોમાં જરૂરી માહિતી દર્શાવતા પોસ્ટર લગાવવામાં આવી રહ્યાં છે.
આ કામગીરીનો મુખ્ય હેતુ ગ્રાહકોને ખાદ્ય ચીજવસ્તુઓ અંગે યોગ્ય માહિતી મળે, ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય અને જાહેર આરોગ્યનું જતન થાય તેવો છે.
તાપી જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગની આ કામગીરીથી હાઇવે પર ભોજન લેતા મુસાફરો અને સ્થાનિક નાગરિકોને ગુણવત્તાયુક્ત તથા સ્વચ્છ ખાદ્યસામગ્રી મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
○○○
