તાપી જિલ્લાના ખેડૂતોને FFS મોબાઈલ એપ દ્વારા ખાતર મેળવી શકશે
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. – સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે સમગ્ર રાજ્યમાં સબસીડીવાળા રાસાયણિક ખાતરનો જથ્થો સરકારશ્રીની મોબાઈલ એપ્લિકેશનથી મળતો થશે. વિતરણને વધુ સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફ્રેમવર્ક ફોર ફર્ટીલાઈઝર નામની નવી ડિજિટલ વ્યવસ્થા ભારત સરકાર અમલમાં મૂકવામાં આવી છે.
આ એપ ગુગલ પ્લે સ્ટોર પરથી એન્ડ્રોઈડ મોબાઈલ મારફત ડાઉનલોડ કરી શકાશે. આ નવતર પહેલ અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. જેનાથી સહકારી મંડળીઓ અને વેપારીઓ પાસે ખાતર માટે લાગતી લાંબી કતારો અને ભીડમાંથી મુક્તિ મળશે. એપ્લિકેશનથી ખાતરનો જથ્થો બુક કર્યાના ૨ દિવસમાં ખેડૂતે જથ્થો વિક્રેતા પાસેથી ખરીદ કરી મેળવી લેવાનો રહેશે. જો ૨ દિવસમાં ખાતર નહીં મેળવવામાં આવે તો આપોઆપ બુકિંગ રદ થઈ જશે અને ફરીથી બુકિંગ કરવાનું રહેશે.
આ નવી પદ્ધતિથી ખેડૂતો ઘરે બેઠા જાણી શકશે કે કયા વિક્રેતા પાસે કયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત બુકિંગ કરેલું હોવાથી દુકાને જઈને તરત જ ખાતર મેળવી શકાશે, કતારોમાં ઉભા રહેવું નહીં પડે. તેમજ દરેક વેચાણનો ડિજિટલ રેકર્ડ રહેશે, જેથી પારદર્શિતા વધશે અને નકલી ખરીદદારો સામે રક્ષણ મળશે.
આ નવી પદ્ધતિ લાવવાનો સરકારનો હેતુ ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલી વિના ખાતર મળી રહે, ઉપરાંત રાસાયણિક ખાતરની કાળાબજારી તથા ખાતર સાથે અન્ય ખાતરો ફરજિયાત આપવા (ટેગિંગ) પર રોક લાગશે. આ ડીઝિટલ પ્રક્રિયા માટે કચ્છ જિલ્લાના તમામ ડીલરોને તાલીમ આપી દેવામાં આવી છે. વધુમાં આ અંગે માર્ગદર્શન ની જરૂર જણાય તો ખેડૂત સમુદાયે સેજાના ગ્રામ સેવક/ખેતી મદદનીશ અથવા ખાતર વિક્રેતા નો સંપર્ક કરવા અનુગ્રહ છે, તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.
○○○
