પડદા પ્રથાનું બહાનું કાઢી પતિની હેરાનગતિ, 181 અભયમની સમયસર મદદથી પરિવારમાં ફરી સુખ-શાંતિ

0
Woman help line 181 abhayam logo
Contact News Publisher

બારડોલી અભયમ ટીમે કુશળ કાઉન્સેલિંગથી પતિને નૈતિક ફરજ, જવાબદારી અને કાયદાનું ભાન કરાવી પત્ની અને બાળકોને સન્માનપૂર્વક રાખવાની બાંહેધરી અપાવી

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : 181 અભયમ હેલ્પલાઇન પર એક મહિલાનો કોલ પ્રાપ્ત થયો હતો, જેમાં તેમણે તેમના પતિ દ્વારા થતી સતત માનસિક હેરાનગતિ અંગે મદદની માંગણી કરી હતી. કોલ મળતા જ 181 બારડોલી અભયમ ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ કંકુબેન ચૌધરી અને પાયલોટ કલ્પેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતાની મુલાકાત લીધી હતી.

સ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે પીડિતાએ પ્રેમલગ્ન કર્યા હતા અને તેમને બે નાનાં બાળકો પણ છે. છેલ્લા થોડા દિવસોથી તેમના પતિ એક અન્ય યુવતી સાથે ફોન દ્વારા સતત વાતચીત કરતા હોવાથી પીડિતા ભારે માનસિક ચિંતામાં મુકાઈ ગઈ હતી. જ્યારે પીડિતાએ આ બાબતે તેમના પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પતિ દ્વારા તેમને ઘર છોડીને નીકળી જવાની ધમકી આપવામાં આવતી હતી, જેના કારણે તેઓ સતત માનસિક ત્રાસનો ભોગ બની રહ્યા હતા.

ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરતાં તેમણે સમગ્ર હકીકત રજૂ કરી હતી. ત્યારબાદ પીડિતાના પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પતિએ પોતાના પક્ષમાં જણાવ્યુ હતું કે તેમની પત્ની ઘરના વડીલો સામે શિર ઢાંકી માન-મર્યાદા રાખતી નથી, જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને તેથી હવે તેઓ પત્નીને ઘરમાં રાખવા ઇચ્છતા નહોતા.

અભયમ ટીમ દ્વારા પતિને સમજાવી સલાહ-સૂચન આપવામાં આવ્યા હતા તેમજ પતિ તરીકેની નૈતિક ફરજ, જવાબદારી અને કાયદાકીય બાબતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કુશળ કાઉન્સેલિંગ બાદ પીડિતાના પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની અને બાળકોને યોગ્ય રીતે સંભાળવાની તેમજ આગળથી કોઈપણ પ્રકારનો માનસિક ત્રાસ ન આપવાની બાંહેધરી આપી હતી.આમ 181 અભયમ ટીમના સમયસર અને કુશળ કાઉન્સેલિંગના પરિણામે પરિવારિક સુખદ સમાધાન સર્જાયું હતું.

અંતે પીડિતાએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *