ડોલવણ તાલુકાના આમણીયા જૂથ ગ્રામ પંચાયતમાં વિકાસનાં કામોમાં ભ્રષ્ટાચાર થયાની ગ્રામજનોની રાવ : કસૂરવારો સામે પગલા ભરવા સ્થાનિકોની માંગ !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના આમણીયા ગામે પાણીની સગવડ ઊભી કરવા માટેની યોજનામાંથી ટાંકી વિથ બોરનું કામ તાલુકા પંચાયત ખાતેથી મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ એજન્સીએ ફકત સ્ટેન્ડ બનાવી તેના ઉપર હલકી ગુણવત્તાની ટાંકી મૂકી છે જે શોભાના ગાંઠીયા સમાન છે. કામમાં વેઠ ઉતારી કામ પૂર્ણ થઈ ગયાનું બતાવાયું છે. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે, પાણીની ટાંકી વિથ બોરના વિકાસ કામમાં એજન્સી દ્વારા બોર કરવામાં આવેલ નથી અને ખાનગી બોરમા કનેકશન જોડી દેવામાં આવેલ છે. બોર નહિ કરી ખાનગી બોરમા કનેકશન જોડી દેવાતા બોરના પૈસા ખવાય ગયાના ગંભીર આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.
આમણીયા ગામના સ્થાનિક ગ્રામજનો દ્વારા ગોવચર ફળીયામાં પાણીની સુવિધાના વિકાસ કામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ કરી કસૂરવારો સામે કડક પગલા ભરવાની માંગ કરી રહ્યા છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
