તાપી જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

અકસ્માત નિવારણ અને જનજાગૃતિ માટે રચનાત્મક સૂચનો આપતા કલેક્ટરશ્રી ચૌધરી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૯. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં શનિવારે જિલ્લામાં માર્ગ અકસ્માતોના નિવારણ અને નાગરિકોની સુરક્ષા માટે વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
વધુમાં કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ કહ્યુ કે, ભવિષ્યની પેઢીમાં અત્યારથી જ ટ્રાફિક નિયમો પ્રત્યે સભાનતા કેળવાય તે માટે શાળા અને કોલેજ સ્તરે વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું અનિવાર્ય છે. ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન અને વહીવટી તંત્રના સંકલિત પ્રયાસો થકી જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
વાહન ચાલકોમાં હેલ્મેટ પહેરવાની ટેવ માત્ર નિયમ પાલન પૂરતી સીમિત ન રહેતા એક સુરક્ષાત્મક આદત બને તે માટે તેમણે રચનાત્મક અને પ્રોત્સાહક અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
ખાસ કરીને જિલ્લાના વિવિધ માર્ગો પર ચિહ્નિત કરાયેલા અકસ્માત સંભવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં સુધારાત્મક પગલાં ભરવા તેમજ રોડ ઇજનેરીસંબંધિત ત્રુટિઓ અને તે સંદર્ભે થયેલી કામગીરી અંગે જાણકારી પ્રાપ્ત કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપીને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન.દેસાઈ, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ, એઆરટીઓશ્રી મિતેશ વસાવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
