ભારે વરસાદ બાદ તાપી પંચાયત માર્ગ-મકાન વિભાગ એક્શનમાં

યુદ્ધના ધોરણે રસ્તા અને કોઝવેની મરામત શરૂ
—
(માહિતી બ્યુરો દ્વારા તાપી) : તા. ૧૯. :- તાપી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે કેટલાક પંચાયત માર્ગો, કોઝવે અને પુલોના એપ્રોચને નુકસાન પહોંચ્યું હતું. જેના પગલે નાગરિકોના વાહન વ્યવહારને સરળ અને સલામત બનાવવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, તાપી-વ્યારા દ્વારા તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.
વિભાગના કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ ફિલ્ડ સ્ટાફ દ્વારા અસરગ્રસ્ત સ્થળો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નુકસાનગ્રસ્ત કોઝવે, પુલના એપ્રોચ તથા રોડના ધોવાણ થયેલા ભાગોમાં કપચી, ડબલ્યુએમએમ મટીરીયલ તેમજ અન્ય જરૂરી સામગ્રીનો ઉપયોગ કરીને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાવવા માટે તાત્કાલિક કામગીરી ચાલી રહી છે.

વિશેષમાં, ડોલવણ તાલુકાના પદમડુંગરી કોસીમડા ફળિયા રોડ તથા પાઠકવાડી મુખ્ય રસ્તાથી ઉમરવાવદુર ગારપાની રોડ ઉપર આવેલા કોઝવે અને પુલના એપ્રોચમાં વરસાદી ધોવાણને કારણે થયેલા નુકસાનનું સ્થળ પર જ સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
ગ્રામજનોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિભાગ દ્વારા તમામ અસરગ્રસ્ત સ્થળો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં પણ વરસાદના કારણે નુકસાન થવાની માહિતી મળે છે ત્યાં તાત્કાલિક ટીમો મોકલી મરામત હાથ ધરાય છે. આગામી દિવસોમાં પણ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ વ્યવસ્થા સલામત અને અવરજવરયોગ્ય રાખવા તંત્ર સતત કાર્યરત રહેશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
