પીએમ સ્વનિધિ યોજનાની રૂ. ૮૦ હજારની સહાયથી પોપટભાઈના મોચીકામના વ્યવસાયને મળી નવી ગતિ

લારી-ગલ્લા ધારકો, પાથરણાવાળા અને નાના વેપારી ભાઈઓ-બહેનો માટે પીએમ સ્વનિધિ યોજના આશિર્વાદ સમાન છે – પોપટભાઈ અહિરે
—
હવે આ યોજના અંતર્ગત નાના વેપારીઓને પોતાના ધંધાના વિસ્તરણ માટે કુલ રૂ. ૯૦ હજાર સુધીનું મૂડી ધિરાણ પૂરું પાડવામાં આવે છે
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૯. :- તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યા7રા નગરમાં પગરખાં સાંધવાનું કામ કરતા પોપટભાઈ અહિરેના હાથમાં વર્ષોથી એક અદ્ભુત જાદુ અને આગવું હુનર રહ્યું છે. લોકમુખે તેમના કામની પ્રશંસા તો ખૂબ હતી, પરંતુ વ્યવસાયનો વિસ્તાર કરવા માટે જરૂરી પૂંજીનો અભાવ તેમના સપના આડે અવરોધ બનીને ઊભો હતો.
આ તકે પોપટભાઈ અહિરે ભાવ સાથે જણાવ્યુ કે, પીએમ સ્વનિધિ યોજનાથી મારા વ્યવસાય માટે જરૂરી મૂડી ખૂબ જ સરળતાથી મળી રહી, જેના કારણે મને કામનો વિસ્તાર કરવા મદદ મળી છે. જુના બસ ડેપો પાસે મારી લારી લાગે છે આ આર્થિક પીઠબળને લીધે મારી આવકમાં સારો એવો વધારો નોંધાયો છે. લારી-ગલ્લા ધારકો, પાથરણાવાળા અને નાના વેપારી ભાઈઓ-બહેનો માટે પીએમ સ્વનિધિ યોજના આશિર્વાદ સમાન છે. તે બદલ હુ સરકારનો આભાર વ્યક્ત કરુ છુ.
કાચો માલ ખરીદવો હોય કે નવા સાધનો વસાવવા હોય, મર્યાદિત આર્થિક સ્થિતિ હંમેશા આડે આવતી હતી. સામાન્ય શ્રમિકો અને પથ-વિક્રેતાઓની આ જ મુંઝવણને દૂર કરવા માટે અમલમાં આવેલી કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ’ પીએમ સ્વનિધિ યોજના પોપટભાઈ માટે એક નવી આશાનું કિરણ અને વ્યવસાયને ગતિ આપનારી સંજીવની સાબિત થઈ છે.
નાના સ્તરના વ્યવસાયકારો માટે ધંધાની પ્રગતિમાં સૌથી મોટી દિવાલ નાણાકીય કટોકટીની હોય છે. પોપટભાઈની આ અડચણને પાર કરવા પીએમ સ્વનિધિ યોજનાએ મહત્વની ભૂમિકા ભજવી… કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, ટૂંકમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ પ્રથમ તબક્કાની રૂ. ૧૦ હજારની લોન મળી હતી. આ રકમથી તેમણે મોચીકામ માટે જરૂરી સાધનો અને કાચો માલ ખરીદ્યો, જેના કારણે કામની ગુણવત્તા અને ગ્રાહકોની સંખ્યા બંનેમાં વધારો થયો.
પ્રથમ લોનની સમયસર ચુકવણી કર્યા બાદ તેમને બીજા તબક્કાની રૂ. ૨૦ હજારની લોન મળી. આ રકમનો ઉપયોગ કરીને તેમણે વ્યવસાયને વધુ સુવ્યવસ્થિત બનાવ્યો. નિયમિત હપ્તા ભરતાં હવે તેઓ ત્રીજા તબક્કાની રૂ. ૫૦ હજાર ની લોન માટે પણ પાત્ર બન્યા હતા.
નવા સુધારાઓ મુજબ આ યોજના અંતર્ગત નાના વેપારીઓને પોતાના ધંધાના વિસ્તરણ માટે ત્રિસ્તરીય માળખામાં કુલ રૂ. ૯૦ હજાર સુધીનું મૂડી ધિરાણ પૂરું પાડવામાં આવે છે. જેમાં પ્રથમ તબક્કે રૂ. ૧૫ હજારની પ્રારંભિક લોન આપવામાં આવે છે અને તેની સમયસર ચુકવણી થતાં બીજા તબક્કામાં રૂ. ૨૫ હજાર તથા ત્રીજા તબક્કામાં મહત્તમ રૂ. ૫૦ હજાર સુધીની લોન સરળતાથી મંજૂર કરવામાં આવે છે, જે નાના વેપારીઓને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાંથી મુક્તિ અપાવી સ્વાભિમાનભેર જીવવાનું બળ પૂરું પાડે છે.
આલેખન – સંગીતા ચૌધરી
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
