શહેરી વિકાસ વર્ષની ઉજવણી પ્રસંગે વ્યારા ખાતે ‘સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ’ યોજાયો
તાપીની વિવિધ કોલેજોના ૭૦થી વધુ વિદ્યાર્થીઓએ અટલ બિહારી વાજપેયી આશ્રય સ્થાનની મુલાકાત લીધી*
—
વંચિતો માટેની સરકારી યોજનાઓ અને આશ્રય સ્થાનની સુવિધાઓથી વિદ્યાર્થીઓ માહિતગાર થયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. :- રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫-૨૬’ ની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા ખાતે એક વિશેષ ‘સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક કોલેજોના વિદ્યાર્થીઓએ ‘અટલ બિહારી વાજપેયી આશ્રય સ્થાન’ની મુલાકાત લઈ સામાજિક જવાબદારીનો પ્રત્યક્ષ પરિચય મેળવ્યો હતો.
આ મુલાકાતનો મુખ્ય આશય યુવા પેઢીમાં શહેરી સુવિધાઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને સમાજના વંચિત વર્ગો માટે કાર્યરત સરકારી યોજનાઓથી તેમને અવગત કરાવવાનો હતો. વિદ્યાર્થીઓએ આશ્રય સ્થાનમાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો માટે ઉપલબ્ધ ભોજન, સુરક્ષિત રહેઠાણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
કોલેજના પ્રતિનિધિઓએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા આઉટરીચ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં, પરંતુ સામાજિક જવાબદારીની ભાવના પણ મજબૂત બને છે. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ આશ્રય સ્થાનની સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવામાં રચનાત્મક સહયોગ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.
વિદ્યાર્થીઓએ આશ્રય સ્થાનના લાભાર્થીઓ સાથે સમય વિતાવીને તેમની જીવનશૈલી વિશે જાણકારી મેળવી સામાજિક સંવેદના કેળવી હતી. આ તકે, શહેરી વિકાસ વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને શહેરી ગરીબોના ઉત્થાન માટે અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં શ્રીમતી આર. પી. ચૌહાણ આર્ટસ કોલેજ, શ્રીમતી જે. કે. શાહ અને શ્રી કે. ડી. શાહ કોમર્સ કોલેજ તેમજ બી.સી.એ. કોલેજ, વ્યારાના ૭૦થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એચ. વાય. ખરવાસીયા, NCCના એ.એન.ઓ. ડૉ. વિજય બી. લિંગાયત અને સી.ટી.ઓ. ડૉ. સોનલ બી. જાડા પણ મુલાકાતમાં જોડાયા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
