તાપી જિલ્લાની બે-દિવસીય ‘યુનિટી માર્ચ’નું નિઝર ખાતે ભવ્ય સમાપન; મંત્રી શ્રી જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં એકતાનો સંકલ્પ લેવાયો
“સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે”: જયરામભાઈ ગામીત
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા. ૧૮: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તાપી જિલ્લામાં આયોજિત બે-દિવસીય ‘યુનિટી માર્ચ’નું આજે નિઝર ખાતે ભવ્ય સમાપન થયું હતું. તા.17 નવેમ્બરમાં વ્યારા ખાતેથી પ્રારંભ થયેલી આ યાત્રાના બીજા અને અંતિમ દિવસે, નિઝર (વિધાનસભા-૧૭૨) ખાતેની પદયાત્રા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં “એક ભારત, આત્મનિર્ભર ભારત” ના સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો.
આજે તા.૧૮ નવેમ્બરના રોજ પીપલોદ ખાતેથી આ ‘યુનિટી માર્ચ’નો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામીતની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, અગ્રણી સર્વશ્રી મધુભાઈ કથીરિયા, સુરજભાઈ વસાવા, મહેન્દ્રભાઈ પટેલ, સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ અને આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી ઓમકાર શિંદે સહિતના સ્થાનિક જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, અગ્રણી નાગરિકો અને અધિકારીશ્રીઓ ઉત્સાહભેર જોડાયા હતા. “સરદાર પટેલ અમર રહો” અને “ભારત માતા કી જય” ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.
આ પદયાત્રા નિઝર ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં જિલ્લા કક્ષાની યાત્રાનો મુખ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી યુવાનો અને નાગરિકોને સંબોધતા મંત્રી શ્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, સરદાર સાહેબની કુનેહથી જ ૫૬૨ રજવાડાઓ એક અખંડ ભારતમાં વિલીન થયા હતા.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, “સરદાર સાહેબના વિચારોને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંપૂર્ણપણે અનુસરી રહ્યા છે. સરદાર સાહેબની કેટલીક અધૂરી ઈચ્છાઓને વડાપ્રધાનશ્રીએ પૂર્ણ કરી છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાનું ઐતિહાસિક પગલું છે.”
તેમણે સરદાર સાહેબના વિચારોને યાદ કરતા કહ્યું કે, “સરદાર સાહેબનું સપનું હતું કે કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે. આજે એ જ સપનાને સાકાર કરતા વડાપ્રધાનશ્રી દેશના કરોડો નાગરિકોને વિનામૂલ્યે રાશન પૂરું પાડી રહ્યા છે. એ જ રીતે, સરદાર પટેલે મહિલા સશક્તિકરણ અને કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો, અને આજે આપણી સરકાર પણ મહિલા ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ ચલાવીને તેમના આ વિઝનને આગળ વધારી રહી છે.”
મંત્રીશ્રીએ યુવાનોને સરદાર સાહેબના આદર્શો પર ચાલીને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને “આત્મનિર્ભર ભારત” ના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આ યુનિટી માર્ચ થકી સમગ્ર તાપી જિલ્લાએ સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
