ઓલપાડનાં શિક્ષક ડો. ધર્મેન્દ્ર પટેલ લિખિત પુસ્તકનું રાજ્ય કક્ષાનાં મંત્રી મુકેશભાઈ પટેલનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આજનાં ટેક્નોલોજીનાં યુગમાં પુસ્તકનું મહત્ત્વ યથાવત રહ્યું છે. જીવનમાં જેવાં વિચારો વાવીએ તેવી જિંદગી ઊગે. જીવનનું ઘડતર કરવા વિચારશક્તિનો એક મજબુત સ્ત્રોત એટલે પુસ્તકો. પુસ્તકોને મિત્ર, માર્ગદર્શક, શિક્ષક અને સાથી જેવી અનેક ઉપમાઓ આપવામાં આવી છે, ત્યારે ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની ડો. ધર્મેન્દ્ર પટેલ કે જેઓ સુરત જિલ્લા પંચાયત હસ્તકની કોબા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેમણે પોતાનું પ્રથમ પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે ‘પ્રેમ એટલે શું ?’
દશેરાનાં શુભ મુહૂર્તે તાલુકાનાં બરબોધન ગામે યોજાયેલ એક વિશેષ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત ઓલપાડનાં ધારાસભ્ય એવાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનાં રાજ્ય કક્ષાનાં મંત્રી મુકેશભાઈ પટેલનાં વરદ હસ્તે સદર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક આજની યુવા પેઢીને ઉદભવતાં અનેક પ્રકારનાં પ્રશ્નોનાં નિરાકરણને ધ્યાને લઈ ખૂબ જ સચોટ રીતે લખવામાં આવ્યું છે. પુસ્તકનો મૂળભૂત હેતુ આજની યુવા પેઢીને યોગ્ય માર્ગે લઈ જવાનો છે.
શાળા તથા સમાજ માટે સતત કાર્યરત એવાં યુવા શિક્ષક ડો. ધર્મેન્દ્ર પટેલને પુસ્તક વિમોચન સબબ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત મિત્રમંડળે આનંદ સહ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.