મિશન LiFE : પ્રકૃતિ અને પ્રગતિનો સુમેળ સાધતો આપણો તાપી જિલ્લો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.05.:- આજે જ્યારે વિશ્વ માટે ગ્લોબલ વોર્મિંગ ચિંતાનો વિષય છે, ત્યારે ભારત દેશ ‘મિશન LiFE’ (લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ) ના સ્વરૂપે વિશ્વને નવી દિશા બતાવી રહ્યો છે. આ મિશનને સરળ ભાષામાં સમજીએ તો ચીજવસ્તુઓનો ‘વિચાર્યા ર નહી, પરંતુ સમજી-વિચારીને ઉપયોગ’.
તાપી જિલ્લામાં, જ્યાં કુદરત મન મૂકીને વરસી છે, ત્યાં આપણે માત્ર નાની બાબતો જેવી કે બિનજરૂરી ચાલતા પંખા-લાઇટ બંધ કરવા કે પ્લાસ્ટિકની થેલીનો ત્યાગ કરીને કાપડની થેલીના ઉપયોગ થકી આ જનભાગીદારીને જન આંદોલનમાં રૂપાંતર કરી શકીએ છીએ.
પર્યાવરણ પ્રત્યેની આ જાગૃતિને વધુ વેગ આપવા માટે સરકાર દ્વારા missionlife-moefcc.nic.in પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પરથી કોઈ પણ નાગરિક પર્યાવરણ સુરક્ષાની પ્રતિજ્ઞા લઈને ઈ-પ્રમાણપત્ર મેળવી શકે છે. એટલું જ નહીં, અહીંથી તમે જાગૃતિ ફેલાવવા માટેના પોસ્ટર્સ, વીડિયો અને બ્રોશર્સ મફતમાં ડાઉનલોડ કરી શકો છો. તાપીની શાળાઓ, કૉલેજો અને ગ્રામ પંચાયતો આ માહિતીનો ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી આ સંદેશ પહોંચાડી શકે છે.
વર્ષ ૨૦૨૮ સુધીમાં દેશના ૮૦ ટકા ગામડાઓ અને શહેરોને પર્યાવરણને અનુકૂળ બનાવવાનું લક્ષ્ય છે. આ લક્ષ્યને હાંસલ કરવામાં તાપી જિલ્લો અગ્રેસર રહે તે માટે જનભાગીદારી મહત્વની છે. આજની નાની જાગૃતતા જ આવતીકાલની પેઢી માટે એક સુરક્ષિત પર્યાવરણની ભેટ બની રહેશે. ચાલો, આપણે ‘મિશન LiFE’ને માત્ર એક સૂત્ર નહીં, પણ આપણી જીવનશૈલી બનાવીએ અને તાપીને વધુ હરિયાળો બનાવીએ.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
