ડાંગ જિલ્લામાં વરસાદને પગલે યોજાઈ તાકીદની બેઠક : કલેક્ટરશ્રીએ આપ્યું ઉપયોગી માર્ગદર્શન
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ: તા: ૧૭: ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે જિલ્લામા છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદને પગલે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સતત એલર્ટ રહીને, જાનમાલની નુકશાની સહિતની કામગીરી સત્વરે હાથ ધરવા સાથે, ખેતીવાડી ક્ષેત્રે અતિવૃષ્ટિને કારણે જો કોઈ ખેડૂતોના ખેતીપાકને નુકશાન થાય તો રાજ્ય સરકારની સહાયિત યોજનાઓનો લાભ આપવા બાબતે કરવાની કામગીરી બાબતે જાગૃતિ દાખવવા સૂચના આપી છે.
વરસાદને કારણે માર્ગો અવરોધાવાના, વીજ પુરવઠો કે સંદેશા વ્યવહાર ખોટકાઈ જવાના કે આવશ્યક સેવાઓ અસરગ્રસ્ત થવા જેવા બનાવો બને તો સત્વરે કામગીરી હાથ ધરી શકાય તે માટે સંબંધિત વિભાગોના અધિકારી, કર્મચારીઓને સતત તેમના કાર્યમથકે હાજર રહેવાની સૂચના આપવા સાથે કલેકટર શ્રી ડામોરે જિલ્લાના ફ્લડ કન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્ક જાળવી પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી હાથ ધરવાની સૂચના આપી હતી.
ડાંગ જિલ્લામાં વરસાદને પગલે તાકીદની બેઠક યોજી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપતા શ્રી ડામોરે જિલ્લા કક્ષાએથી લઈને ગ્રામ્ય કક્ષા સુધીના તંત્રને સંવેદનશીલતા સાથે કામગીરી હાથ ધરવાની સૂચના આપી હતી.
ઉલ્લેખનિય છે કે, આજે સવારે ૮ વાગ્યાની સ્થિતિએ જિલ્લા પંચાયત હસ્તકના ૭ માર્ગો બંધ થયા હતા. બાદમાં દિવસ દરમિયાન વરસેલા વરસાદને પગલે બપોરે ૧ વાગ્યે ૧૧ માર્ગો અસરગ્રસ્ત થવા પામ્યા છે. જેમાં વઘઇ તાલુકાના ૫, આહવાના ૪, અને સુબિર તાલુકાના ૨ માર્ગો વરસાદી પાણી ભરવાના કારણે અવરોધાયા છે.
વઘઇ : (૧) નાનાપાડા-કુમારબંધ રોડ, (૨) સુપદહાડ-સૂર્યાબરડા રોડ, (૩) ધોડવહળ વી.એ. રોડ, (૪) કુડકસ-કોશિમપાતળ રોડ,(૫) આંબાપાડા વી.એ. રોડ,
આહવા : (૧) સતી-વાંગણ-કુતરનાચીયા રોડ, (૨) બોરખલ-ગાયખસ-ચવડવેલ રોડ, (૩) ધુલચોન્ડ-આમસરવલણ રોડ, (૪) માછળી-ચીખલા-દિવડ્યાવન રોડ,
સુબિર : (૧) પીપલદહાડ-જોગથવા રોડ, (૨) કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ,
ડાંગ જિલ્લાના આહવા તાલુકામા આજે સવારે ૬ વાગ્યાથી ૪ વાગ્યા સુધી ૧૦૭ મી.મી. વરસાદ નોંધાતા અહીં મોસમનો કુલ વરસાદ ૯૨૩ મી.મી. થયો છે. તો વઘઇ ખાતે ૧૨૮ મી.મી. સાથે કુલ ૧૧૦૬, અને સુબિર તાલુકામાં ૪૯ મી.મી. સાથે મોસમનો કુલ વરસાદ ૯૦૨ મી.મી. નોંધાવા પામ્યો છે. આમ, ડાંગ જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી સરેરાશ ૯૪.૬૬ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.
આહવાના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક સર્વશ્રી અગ્નિશ્વર વ્યાસ અને દિનેશ રબારી એ પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે બેઠકની કાર્યવાહી સંભાળી હતી.
બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચૌધરી, નાયબ કલેકટર શ્રી કે.જી.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેર શ્રી જે.કે.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ, ડિઝાસ્ટર મામલતદાર શ્રી જયેશ પટેલ, ત્રણેય તાલુકાઓ લાયઝન અધિકારીઓ, તાલુકા મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિત તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
–