નિપુણ ગુજરાત અંતર્ગત મિડલાઇન સર્વેની તારીખ બદલવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણીને હકારાત્મક પ્રતિસાદ 

0
નિપુણ ગુજરાત અંતર્ગત મિડલાઇન સર્વેની તારીખ બદલવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણીને હકારાત્મક પ્રતિસાદ 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૮. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ગતરોજ નિપુણ ગુજરાત મિશન અંતર્ગત યોજાનાર મિડલાઇન સર્વેની તારીખ બદલવા અંગે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિનભાઈ પટેલે અગ્ર સચિવશ્રી, પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજ્ય, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગરને પત્ર લખી જણાવ્યું છે કે બાળકોની શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે તા.૩૦ નવેમ્બર અને તા.૧ ડિસેમ્બર દરમિયાન મિડલાઇન સર્વેનું આયોજન કરવામાં આવેલ હતું. સંઘની રજૂઆત મુજબ તાજેતરમાં જ દિવાળી વેકેશન પૂર્ણ થયું છે અને શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પુનઃઆરંભ થયેલ છે. વેકેશનનાં સમયગાળા દરમિયાન બાળકો નિયમિત શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને અભ્યાસનાં મહાવરાથી અમુક અંશે દૂર રહ્યાં હોય છે. પરિણામે વેકેશન બાદ તુરંત જ સર્વે યોજવામાં આવે તો બાળકોની વાસ્તવિક શૈક્ષણિક ક્ષમતા અને પ્રગતિનું યોગ્ય પ્રતિબિંબ સર્વેનાં પરિણામોમાં જોવા ન મળે તેવી શક્યતા રહેલી છે.

નિપુણ ગુજરાત મિડલાઇન સર્વેનો મુખ્ય ઉદ્દેશ બાળકોની શૈક્ષણિક સ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન કરવાનો, તેમની ક્ષમતાનું સ્તર જાણવાનો તથા આગળની શૈક્ષણિક કામગીરી માટે જરૂરી આયોજન કરવાનો છે. આ ઉદ્દેશની સાચી પરિપૂર્ણતા માટે બાળકોને વેકેશન બાદ પૂરતો શૈક્ષણિક મહાવરો અને પુનરાવર્તન કરવાની તક મળવી આવશ્યક છે. પત્રમાં જણાવ્યા અનુસાર જો મિડલાઇન સર્વે આગામી તા.૧૫ ડિસેમ્બર પછી યોજવામાં આવે તો બાળકોને શાળામાં નિયમિત અભ્યાસ દ્વારા અગાઉ શીખેલી બાબતોનું પુનરાવર્તન કરવાની અને શૈક્ષણિક મહાવરો મેળવવાની પૂરતી તક મળશે. પરિણામે બાળકોની વાસ્તવિક શૈક્ષણિક સ્થિતિનું વધુ સચોટ, નિષ્પક્ષ અને હેતુલક્ષી મૂલ્યાંકન શક્ય બનશે.

આ બાબતે વધુ માહિતી આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યનાં પ્રાથમિક શિક્ષકો અને બાળકોનાં હિતને ધ્યાનમાં રાખીને નિપુણ ગુજરાત અંતર્ગત તા.૩૦ નવેમ્બર અને તા.૧ ડિસેમ્બર દરમિયાન યોજાનાર મિડલાઇન સર્વેને સરકારે હાલ પૂરતો મુલતવી રાખી આગામી તા.૧૫ ડિસેમ્બરનાં રોજ ગુજરાતી (વાંચન અને લેખન) તથા તા.૧૭ ડિસેમ્બરનાં રોજ ગણિત (સંખ્યાજ્ઞાન) નું સ્વ મૂલ્યાંકન યોજવા માટેનો નવેસરથી પરિપત્ર જારી કરી રાજ્ય સંઘની નમ્ર રજૂઆતને માન્ય રાખેલ છે. જેને સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી આવકાર મળી રહ્યો છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *