તાપી જિલ્લામાં PM કિસાન ઉત્સવની દબદબાભેર ઉજવણી
Contact News Publisher

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાથી તાપી જિલ્લાના ૯૩,૮૪૦ ખેડૂત કુટુંબોને PM કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મો હપ્તો રૂા.૧૮.૭૬ કરોડથી વધુ સહાય ડી.બી.ટી.માધ્યમથી અર્પણ કરી
ખેડૂતો માટે આજે આનંદનો દિવસ છે. સરદાર સાહેબે સો વર્ષ પહેલા ખેડૂતો માટે સત્યાગ્રહ કરેલો આજે એમને ભાવપૂર્વક યાદ કરીએ – શ્રી પૂર્ણેશ મોદી, ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦- તાપી જિલ્લામાં આજે PM કિસાન ઉત્સવ-૨૦૨૬ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. દક્ષિણાપથ, વ્યારા ખાતે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, સંગઠન પ્રમુખશ્રી જગદીશભાઈ બલર, સૂરજભાઈ વસાવા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બનાસકાંઠાથી વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાપી જિલ્લાના ૯૩,૮૪૦ ખેડૂત કુટુંબોને PM કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મો હપ્તો રૂા.૧૮.૭૬ કરોડથી વધુ સહાય ડી.બી.ટી.માધ્યમથી અર્પણ કરી હતી.
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશ મોદીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેડૂતો માટે આજે આનંદનો દિવસ છે.સરદાર સાહેબે સો વર્ષ પહેલા ખેડૂતો માટે સત્યાગ્રહ કરેલો આજે એમને ભાવપૂર્વક યાદ કરીએ. દેશના વડાપ્રધાનશ્રી ખેડૂતોની ચિંતા કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશના ૧૧ કરોડથી વધુ ખેડૂતોને ૪.૪૭ લાખ કરોડથી વધુની સહાય ઓનલાઈન ચૂકવણી કરવામાં આવી છે.આજનો દિવસ સાચા અર્થમાં આનંદનો દિવસ છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે રાજ્ય સરકાર પાક ઉત્પાદનની ખરીદી કરી રહી છે અને તે દિશામાં નક્કર પ્રયાસો થયા છે.રાજ્યનો ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે સ્વદેશી અને વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવવામાં આવી છે. ૫૩,૩૩૭ તાલીમ કેન્દ્રો અને ૧૩૮૬ કૃષિ વેચાણ કેન્દ્રો શરૂ કરાયા છે. પૂર વાવાઝોડા જેવી આપત્તિમાં ૧૧૩૮ કરોડનું પેકેજ જાહેર કાયું છે. ખેડૂતોની જમીન સુધારણા માટે ૧૨૭ કરોડ ચૂકવ્યા છે.
PM કિસાન ઉત્સવ દરમિયાન દીપ પ્રાગટ્ય બાદ વંદેમાતરમ ગાન,તાલુકા શાળાની બાલિકાઓએ પ્રાર્થના રજુ કરી હતી. પ્રગતીશીલ ખેડૂતોને મહાનુભાવોના હસ્તે આધુનિક ખેત ઓજારોના સહાય ચેક અર્પણ કરાયા હતા. તમામ લાભાર્થી ખેડૂતોએ વડાપ્રધાનશ્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.સાથે સાથે કૃષિ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ નિહાળી હતી.કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ સિસલે,જિલ્લા પોલીસ વડા શ્રી જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ,વ્યારા પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસીયા સહિત જિલ્લા/તાલુકા પંચાયત પદાધિકારીઓ,વહીવટીતંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
○○○
