કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે વેરહાઉસિંગ ડેવલપમેન્ટ વિષય ઉપર એક દિવસીય જાગૃતિ તાલીમ કાર્યક્રમ યોજાયો

0
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે વેરહાઉસિંગ ડેવલપમેન્ટ વિષય ઉપર એક દિવસીય જાગૃતિ તાલીમ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૯. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા તથા ચૌધરી ચરણસિંહ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ (CCS-NIAM), જયપુરના સંયુક્ત ઉપક્રમે માન. કુલપતિશ્રી ડૉ. આર. એમ. નાયકની પ્રેરણા અને ડૉ. એચ. આર. શર્મા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન. કૃ. યુ., નવસારી માર્ગદર્શન હેઠળ કેવિકે-તાપી ખાતે તા. ૨૮/૧૦/૨૦૨૬ ના રોજ કૃષિ બજાર અને વેરહાઉસિંગ ડેવલપમેન્ટ વિષય ઉપર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.  જેમાં તાપી જિલ્લાના કુલ ૫૦ પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં ડૉ. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા દ્વારા કાર્યક્રમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે ખેડૂતોને વેરહાઉસિંગના ફાયદાઓ, કૃષિ પેદાશોનું યોગ્ય રીતે સંગ્રહણ કરવાથી થતો લાભ તથા બજારમાં અનુકૂળ ભાવ મળે ત્યારે પેદાશોનું વેચાણ કરીને વધુ આર્થિક વળતર મેળવવાની શક્યતાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

CCS-NIAM, જયપુરના કન્સલ્ટન્ટ ડૉ. રાહુલ સાંખલા દ્વારા વેરહાઉસ શરૂ કરવાની પ્રક્રિયા, વેરહાઉસના સંચાલન અને તેનાથી ખેડૂતોને મળતા લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વેરહાઉસમાં પેદાશો સુરક્ષિત રીતે સંગ્રહિત રાખવાની વ્યવસ્થા તથા વેરહાઉસિંગ સુવિધાનો ઉપયોગ કરીને ખેડૂતોને પોતાની પેદાશોના વેચાણ અંગે યોગ્ય નિર્ણય લેવામાં કેવી રીતે મદદ મળી શકે તે સમજાવ્યું હતું.

ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા દ્વારા કૃષિ પેદાશોના સંગ્રહના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે લણણી પછી પેદાશોની ગુણવત્તા જાળવવા, સંગ્રહ દરમિયાન થતા નુકસાનમાં ઘટાડો કરવા અને યોગ્ય સમયે વેચાણ દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે વૈજ્ઞાનિક સંગ્રહ પદ્ધતિઓનું મહત્વ સમજાવ્યું હતું.

ડૉ. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન) દ્વારા વેરહાઉસ સ્થાપવા તથા સંચાલન માટે ઉપલબ્ધ બેંક ધિરાણ અને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. વધૂમાં તેમણે વેરહાઉસમાં સંગ્રહિત પેદાશના આધારે ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ (e-NWR) જેવી સુવિધાઓનો ઉપયોગ કરીને બેંક ધિરાણ મેળવવાની શક્યતાઓ અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં તાપી જિલ્લાના આશરે ૫૦ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન ખેડૂતોને વેરહાઉસિંગ સંબંધિત વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ ખેડૂતોને કૃષિ પેદાશોના સંગ્રહ અને બજાર વ્યવસ્થાપન અંગે જાગૃત કરી તેમની આવકમાં વધારો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

 સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા કરવામાં આવી હતી.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *