કે.વિ.કે તાપી અને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા નિશાણા ગામે ‘વાંસકામ દ્વારા મહિલાઓનો ઉદ્યોગસાહસિકતા વિકાસ’ વિષય ઉપર કૌશલ્ય વિકાસ તાલીમ યોજાઇ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે કાર્યરત છે. સદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગુજરાત માટીકામ કલાકારી અને રુરલ ટેકનોલોજી સંસ્થા, ગુજરાત સરકાર, સેન્ટર-બાજીપુરાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જ તા.૩૧/૦૮/૨૦૨૬ થી તા.૨૯/૧૦/૨૦૨૬(૬૦ દિવસ) દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માનનીય કુલપતિશ્રી ડૉ.આર.એમ.નાયકની પ્રેરણા અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્મા અને ડૉ. સી.ડી પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ સોનગઢ તાલુકાના નિશાણા ગામે “વાંસકામ દ્વારા મહિલાઓનો ઉદ્યોગસાહસિકતા વિકાસ” વિષય ઉપર ૬૦ દિવસીય વ્યવસાયિક તાલીમ(કૌશલ્ય વિકાસ તાલીમ)કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યવસાયલક્ષી તાલીમમાં ડોલવણ તાલુકાના નિશાણા ગામની કુલ ૩૦ આદિવાસી યુવામહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
સદર વ્યવસાયિક તાલીમમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી.ડી પંડ્યાએ ઉપસ્થિત સર્વે તાલીમાર્થીઓને કૌશલ્ય વિકાસ તાલીમનું મહત્વ સમજાવતા જણાવેલ કે આપણા વિસ્તારમાં વાંસ સહેલાઇથી મળી રહેતા હોવાથી તેનો ઉપયોગ કરી તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવી વેચાણ કરી આવક મેળવી કુટુંબના સામાજિક-આર્થિક સ્તરમાં સુધારો લાવી શકાય છે.
વ્યવસાયિક તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના પ્રો. આરતી એન. સોનીએ સર્વે તાલીમાર્થીઓને કૌશલ્ય વિકાસ તાલીમ દ્વારા મહિલાઓનો ઉદ્યોગસાહસિકતા વિકાસ અને બજાર વ્યવસ્થા વિષય ઉપર સવિસ્તાર માહિતી આપી હતી તેમજ તેઓએ તાલીમાર્થીઓને ગુજરાત માટીકામ કલાકારી અને રુરલ ટેકનોલોજી સંસ્થાના ઇન્સ્ટ્ર્કટર શ્રી સુરેશભાઇ પવાર અને હેલ્પર તરીકે શ્રી ગુલાબભાઇ પવારના સહયોગથી વાંસમાંથી વિવિધ પ્રકારના ડેકોરેટિવ ક્રાફટ આર્ટીકલ્સનું પદ્ધતિ નિદર્શન કરી વિસ્તૃતમાં માહિતી પૂરી પાડી તાલીમાર્થી મહિલાઓ પાસે પણ વિવિધ ક્રાફટ આર્ટીકલ્સનો પ્રેક્ટીકલ કરી શીખવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાત માટીકામ કલાકારી અને રુરલ ટેકનોલોજી સંસ્થાના શ્રી દિપકભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તેઓની સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ તાલીમોની માહિતી આપી હતી અને તેમણે તાલીમાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા નિયત કરાયેલ સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે તેવું જણાવી તેઓને ગૃહઉદ્યોગ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જેથી સ્ટાઇપન્ડની રકમ દ્વારા જરૂરી કાચોમાલ ખરીદ કરી શકાય. કાર્યક્રમને સફળ બનાવવામાં ગામની આગેવાન મહિલા શ્રીમતી શીલાબેનએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે, તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સદર કાર્યક્રમનું સમગ્ર સંચાલન કેન્દ્રના ગૃહવૈજ્ઞાનિક પ્રો.આરતી એન. સોનીએ કર્યું હતું.
○○○
