સોનગઢ અને નિઝરમાં અંદાજિત રૂ. ૧૧૦ કરોડના ખર્ચે ૧૦૦-૧૦૦ બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરતાં રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત

0
સોનગઢ અને નિઝરમાં અંદાજિત રૂ. ૧૧૦ કરોડના ખર્ચે ૧૦૦-૧૦૦ બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરતાં રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત
Contact News Publisher

સોનગઢ-નિઝરની નવી સરકારી હોસ્પિટલો થકી સાડા ત્રણ લાખથી વધુ નાગરિકોને ઘરઆંગણે મળશે આધુનિક આરોગ્ય સેવાઓ

સ્વસ્થ સમાજ જ રાષ્ટ્રનિર્માણમાં ફાળો આપી શકે છે, નાગરિકોને આરોગ્ય સુવિધા આપવા સરકાર કટિબદ્ધ – રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીકાળથી આજદિન સુધી આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે સરકારના પરિણામલક્ષી પ્રયાસો – આરોગ્ય રાજયમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા

(માહિતી બ્યુરો, તાપી) : તા. ૧૭  :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યકક્ષાના રમતગમત અને પ્રવાસન મંત્રી ડો. જયરામભાઈ ગામીતે ગુરુવારે સોનગઢ અને નિઝર ખાતે અંદાજિત રૂ. ૫૫-૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીશ્રીએ સ્થળ પર નારિયેળ ફોડી અને પૂજા-અર્ચના કરી, ત્યારબાદ હોસ્પિટલના તકતીનું અનાવરણ કર્યું હતું.

 

આ હોસ્પિટલના નિર્માણથી સોનગઢ અને નિઝર સહિત આસપાસના વિસ્તારના સાડા ત્રણ લાખથી વધુ લોકોને સ્થાનિક સ્તરે વધુ સારી અને સુવિધાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે.

 

આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત આરોગ્ય રાજયમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના નેતૃત્વમાં આદિવાસી વિસ્તારોના વિકાસને વેગ મળ્યો છે. હાલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ પણ આદિવાસી નાગરિકોના આરોગ્ય, શિક્ષણ અને પોષણ સહિતની વિવિધ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

 

આ પ્રસંગે રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, આદિવાસી વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રની પાયાની સુવિધાઓનો સતત વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. સારું આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે અને નાગરિકો સ્વસ્થ રહેશે તો સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં વધુ સક્રિય યોગદાન આપી શકશે. સોનગઢ ખાતે નિર્માણ પામનારી આ આધુનિક હોસ્પિટલ સોનગઢ સહિત આસપાસના અંતરિયાળ વિસ્તારોના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે.

 

આ તકે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ્માન ભારત કાર્ડ થકી જરૂરિયાતમંદ લાભાર્થીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ નિઃશુલ્ક અને ગુણવત્તાસભર આરોગ્ય સારવારનો લાભ મળી રહેશે.

 

*સોનગઢ અને નિઝરમાં ૧૦૦-૧૦૦ બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ*

 

સોનગઢ ખાતે ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં મંજૂર થયેલી રૂ. ૫૫ કરોડના ખર્ચે ૧૦૦ બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. હોસ્પિટલમાં મોડ્યુલર ઓપરેશન થિયેટર, ICU, NICU, ડાયાલિસિસ, સોનોગ્રાફી, CT સ્કેન, એક્સ-રે તેમજ ૨ લાખ લીટરની વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલ કાર્યરત થતાં સોનગઢ અને ઉચ્છલ તાલુકાના અંતરિયાળ વિસ્તારોના અંદાજે ૨ લાખથી વધુ નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનો લાભ મળશે.

 

નિઝર ખાતે રૂ. ૫૫.૬૬ કરોડના ખર્ચે નિર્માણ પામનારી ૧૦૦ બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં OPD, ઇમર્જન્સી વોર્ડ, લેબર રૂમ, સોનોગ્રાફી, CT સ્કેન, ICU, ડાયાલિસિસ અને મોડ્યુલર ઓપરેશન થિયેટર સહિતની જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલ કાર્યરત થતાં નિઝર અને કુકરમુંડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના અંદાજે ૧.૫ લાખથી વધુ નાગરિકોને સ્થાનિક સ્તરે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનો લાભ મળશે.

 

આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સારિકાબેન પાટીલ, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, પદ્મશ્રી રમીલાબેન ગામીત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસાવા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *