વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’

કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે નવસારીથી બાઇક યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
—
નવસારી ઉનાઈ માતાજી મંદિરથી પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું
—
ડોલવણ, વ્યારા અને સોનગઢ ખાતે નાગરિકોની ઉપસ્થિતિમાં બાઈક યાત્રાનું સ્વાગત, વૃક્ષારોપણ અને કળશ જળ અર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા
—
આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા અને રમત-ગમત તેમજ પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત યાત્રામાં જોડાયા
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :, તા. ૧૩. :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ખાતે પહોંચતાં તેનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા સહિતના આગેવાનોએ પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલનું કંકુતિલક કરી સ્વાગત કર્યું હતુ.
આ દરમિયાન ડોલવણથી જોડાયેલા કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ડોલવણની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ બાઈક યાત્રા વ્યારા તાલુકાના જેસીંગપુરા ખાતે પહોંચી હતી, જ્યાં રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ કલશમાં જળ અર્પણ કરી વૃક્ષારોપણની ઝુંબેશને આગળ ધપાવી હતી.
યાત્રા વ્યારાના ઉનાઈ નાકા ખાતે પહોંચતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો અને કાર્યકરો દ્વારા બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ દેખાઈ હતી. વ્યારા ખાતેથી રમત-ગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત પણ બાઈક યાત્રામાં જોડાયા હતા.
ત્યારબાદ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાઈક યાત્રા સોનગઢ તાલુકાના ધમોડી ખાતે પહોંચી હતી, જ્યાં ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન મંત્રીશ્રીઓ તથા આગેવાનોએ ICDS અને પ્રાકૃતિક કૃષિ સહિતના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી તથા પ્રાકૃતિક ખેતી અને સ્વરોજગારના માધ્યમથી આત્મનિર્ભર બની રહેલી બહેનોના પ્રયાસોને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
ત્યારબાદ બાઈક યાત્રા સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના આંગણે પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકરોની હાજરીમાં મહાનુભાવોએ કલશમાં જળ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું. અંતે યાત્રા વ્યારા તાલુકાના ઊંચામાળાના જ્ઞાનદીપ હાઈસ્કૂલના આંગણે પહોંચી હતી, જ્યાં મહાનુભાવોએ કલશમાં જળ અર્પણ કર્યું હતું તથા મિશન મંગલમની બહેનોના સ્ટોલની મુલાકાત લઈને બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
નોંધનીય છે કે, નવસારીથી પ્રારંભાયેલી આ બાઈક યાત્રા તાપી જિલ્લામાં જે-જે સ્થળેથી પસાર થઈ ત્યાં ફ્રી મેડિકલ કેમ્પ, ‘એક પેડ મા કે નામ’ વૃક્ષારોપણ, વિકાસરથ દ્વારા સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા વિશિષ્ટ ફિલ્મ નિદર્શન દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યો અને જનકલ્યાણલક્ષી કામગીરીને જનજન સુધી પહોંચાડવામાં આવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાઈ રહ્યું છે. ઉપરાંત, ઉનાઈ માતાજી મંદિરથી પ્રારંભ થયેલી આ બાઈક યાત્રા તાપી, સુરત, નર્મદા, વડોદરા અને અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આગામી તા. ૧૬મીના રોજ વડનગર ખાતે સમાપન પામશે.
તાપી જિલ્લામાં યાત્રાનો અંતિમ પડાવ વ્યારા તાલુકાના ઊંચામાળા ખાતે રહ્યો હતો. અહીં પણ ઉપસ્થિત મહાનુભાવોએ કલશમાં જળ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ બાઈક યાત્રા નિર્ધારિત કાર્યક્રમ મુજબ માંડવી તરફ આગળ વધી હતી.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
