હાથના હુન્નરને રોજગારની ઓળખ આપી રહી છે વ્યારાની ૩૦ બહેનો

૧૪ દિવસની તાલીમથી હાથની કારીગરીને મળ્યું સ્વરોજગારનું નવું સ્વરૂપ
—
બેગ, ઝૂલા અને ઘર સજાવટની ચીજવસ્તુઓની સાથે માર્કેટિંગ, કિંમત નિર્ધારણ અને વ્યવસાય સંચાલનનું પણ મેળવ્યું માર્ગદર્શન
—
નવું હુન્નર શીખી આ કૌશલ્યના આધારે આત્મનિર્ભર બનવાની ઇચ્છા વ્યક્ત કરતા સ્મિતાબેન ગામીત
—
મહિલા સશક્તિકરણ માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા આરસેટી અને મિશન મંગલમના સંયુક્ત પ્રયાસો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૧. :- હાથમાં હુન્નર હોય તો રોજગારની તકો શોધવા માટે હંમેશા કોઈના સહારે રહેવું પડતું નથી. આવડતને યોગ્ય તાલીમ અને બજાર સાથે જોડાણ મળે તો એ જ હુન્નર આત્મનિર્ભરતાનો રસ્તો બની શકે છે. આ વાતને સાકાર કરવાની દિશામાં વ્યારા તાલુકાની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ ) સાથે સંકળાયેલી ૩૦ જેટલી ગ્રામ્ય મહિલાઓ આગળ વધી રહી છે.
મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી બેંક ઓફ બરોડા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, તાપી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મિશન મંગલમના સંયુક્ત ઉપક્રમે આરસેટી વ્યારા ખાતે ૧૪ દિવસીય વિશેષ ‘જૂથ પ્રોડક્ટ તાલીમ’ યોજાઈ હતી. તાલીમ દરમિયાન બહેનોએ માત્ર વસ્તુઓ બનાવવાનું જ નહીં, પરંતુ પોતાના હુન્નરને વ્યવસાયમાં કેવી રીતે ફેરવવો તે પણ શીખ્યું હતું.
માસ્ટર ટ્રેનર આરાધના વસાવાના માર્ગદર્શન હેઠળ તાલીમ દરમિયાન મહિલાઓએ વિવિધ પ્રકારની આકર્ષક બેગ, ઘર સજાવટની કલાત્મક વસ્તુઓ, ઝૂલા અને વિવિધ ડેકોરેટિવ હેન્ડીક્રાફ્ટ આઈટમ્સ બનાવવાની પ્રાયોગિક તાલીમ મેળવી હતી. પોતાના હાથથી બનાવેલી વસ્તુને બજારમાં ગ્રાહક સુધી કેવી રીતે પહોંચાડવી, તેની યોગ્ય કિંમત કેવી રીતે નક્કી કરવી અને વ્યવસાયનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે પણ તાલીમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમાર્થી સ્મિતાબેન ગામીત સહિતની તમામ બહેનો માટે આ તાલીમ માત્ર ૧૪ દિવસનો અભ્યાસક્રમ નથી, પરંતુ આગળ વધવાની તક સાબિત થઈ છે. મિશન મંગલમ અંતર્ગત RSETI દ્વારા મળેલી તાલીમથી બહેનોએ નવુ હુન્નર શીખી આ કૌશલ્યના આધારે આત્મનિર્ભર બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આ પ્રસંગે સ્મિતાબેન ગામીતએ જણાવ્યુ કે, સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ મળેલી આ તાલીમથી મને ઘણું શીખવા મળ્યું છે. હવે હું હાથથી બનાવટની ચીજવસ્તુઓ તૈયાર કરીને વ્યવસાય તરફ આગળ વધવા ઇચ્છુ છું. વધુમાં ગ્રાહકો સુધી પહોંચવા માટે સરકારશ્રીના વિવિધ કાર્યક્રમોમાં સ્ટોલ ફાળવવામાં આવે તો મને પોતાના ઉત્પાદનોનું વેચાણ કરવાની સાથે બજાર પણ મળી શકે.
નોંધનીય છે કે, તેમની આ માંગમાં માત્ર વેચાણની અપેક્ષા નહીં, પરંતુ શીખેલા હુન્નરને પોતાની ઓળખ અને રોજગાર સાથે જોડવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ, સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર પણ બહેનોને પગભર બનાવવા માટે પ્રોત્સાહનની સાથે યોજનાકીય સહાય અને યોગ્ય તકો પૂરી પાડી રહ્યા છે.
બેંક ઓફ બરોડા RSETI તાપીના નિયામક શ્રી કિરણ સાતપુતેએ પણ તાપી જિલ્લાના ૧૮થી ૫૦ વર્ષની વયજૂથના ભાઈ-બહેનોને RSETI ખાતે યોજાતા વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ કાર્યક્રમોમાં જોડાઈ તેનો લાભ લેવા અપીલ કરી હતી.
RSETI ખાતે વિવિધ ક્ષેત્રોમાં વિનામૂલ્યે તાલીમ આપી તાલીમાર્થીઓની કુશળતા અને વ્યવસાયિક ક્ષમતામાં વધારો કરવામાં આવે છે, જેથી તેઓ સ્વરોજગાર શરૂ કરી શકે. તાલીમ બાદ યોગ્ય માર્ગદર્શન તેમજ બેંકિંગ સુવિધાઓ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.
ગ્રામીણ મહિલાઓ પાસે ઘણીવાર આવડત હોય છે, પરંતુ તેને વ્યવસાયનું સ્વરૂપ આપવા માટે તાલીમ, માર્ગદર્શન અને બજારની જરૂરિયાત રહે છે. આવા પ્રયાસો દ્વારા મહિલાઓને હુન્નર સાથે વ્યવસાયિક સમજ પણ મળી રહી છે. પરિણામે ઘર-પરિવારની જવાબદારી સાથે પોતાની આવડતને રોજગારનું સાધન બનાવી મહિલાઓ આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહી છે.
આલેખન – રોશન સાવંત
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
