બુધવાડા–વ્યારા રૂટ પર નવીન એસ.ટી. બસ સેવા શરૂ થતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં આનંદની લહેર

ભગવાન બિરસા મુંડા જનજાતિય પરિવહન યોજના
—
પહેલીવાર બુધવાડા અને જુના આમલપાડાના આંગણે પહોંચી GSRTC બસ સુવિધા
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૯ – ભગવાન બિરસા મુંડા જનજાતિય પરિવહન યોજના અંતર્ગત બુધવાડા-વ્યારા રૂટ પર નવીન એસ.ટી. બસ સેવા શરૂ થતાં, બુધવાડા અને જૂના આમલપાડાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે. ઉલ્લેખનીય છે કે, આઝાદી પછી પહેલીવાર આ અંતરિયાળ વિસ્તારમાં જી.એસ.આર.ટી.સી. બસની સુવિધા ઉપલબ્ધ બની છે.
આ બસ સેવા શરૂ કરવા માટે જનપ્રતિનિધિશ્રીઓ, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય, સરપંચશ્રીઓ તેમજ ગામના અગ્રણીઓ દ્વારા વિશેષ માંગણી અને રજૂઆતો કરવામાં આવી હતી. આ તમામની રજૂઆતોને ધ્યાને લઈને, જી.એસ.આર.ટી.સી.ના વિભાગીય નિયામકશ્રી પંકજ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગના સોનગઢ ડેપો દ્વારા આ નવીન બસ સેવા સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.
આ બસ સેવાનો સીધો લાભ બુધવાડા તથા જૂના આમલપાડાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને મળશે. વિદ્યાર્થીઓને શાળા-કોલેજોમાં આવાગમન માટે સરળ પરિવહન મળી રહેવાથી તેમના શિક્ષણની તકોમાં વધારો થશે. આ ઉપરાંત, ગ્રામજનોને વ્યારા સહિતના વિસ્તારોમાં રોજગાર, વ્યવસાય, સરકારી કચેરીઓ અને અન્ય આવશ્યક કામકાજ માટે અવરજવર ખૂબ જ સરળ બનશે.
પોતાના ગામ સુધી એસ.ટી. બસની સુવિધા શરૂ થતાં, ગ્રામજનોએ આ સેવા માટે સક્રિય પ્રયાસો કરનાર તમામ અગ્રણીઓ તેમજ જી.એસ.આર.ટી.સી. તંત્રનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
