સાયણ ટાઉનનાં પ્રિન્સ પટેલનો ઈંગ્લેન્ડમાં 100 બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝળહળતો દેખાવ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડસાયણ ટાઉનનાં પ્રિન્સ પટેલનો ઈંગ્લેન્ડમાં 100 બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝળહળતો દેખાવ ) : તા. ૦૭. સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ ખેલાડી અને હાલ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની વડોલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં પરેશભાઈ પટેલનો સુપુત્ર પ્રિન્સ પટેલ હોનહાર ક્રિકેટર તરીકે ઉભરી રહ્યો છે. માંગરોલ તાલુકાનાં લીમોદરા ગામનાં મૂળ વતની અને હાલ સાયણ ટાઉન ખાતે રહેતાં આ યુવા ક્રિકેટર છેલ્લાં પાંચ વર્ષથી ઈંગ્લેન્ડ ખાતે સાવિલ સ્ટાર સી.સી. ક્લબ વતી તેમજ ઘરેલુ ટુર્નામેન્ટમાં કાઠુ કાઢી રહ્યો છે.
પોતાનાં કાંડાનું કૌવત દેખાડી ક્રિકેટ ક્ષેત્રે એક ઉભરતાં ખેલાડીની ખેલાડીની છાપ ઉભી કરનાર આ ફાંકડા ખેલાડીએ તાજેતરમાં ઈંગ્લેન્ડમાં 100 બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓલરાઉન્ડ દેખાવ કરી પસંદગીકારોમાં ચર્ચા જગાવી છે. સદર ટુર્નામેન્ટમાં તેણે 170.07 ની સ્ટ્રાઈક રેટથી રમી 756 રન બનાવી ઓરેન્જ કેપ તથા કુલ 18 વિકેટ ઝડપી પર્પલ કેપ હાંસલ કરેલ છે. આ સાથે તેણે સૌથી વધુ 64 બાઉન્ડરી, 46 સિક્સર્સ ફટકારવા ઉપરાંત સૌથી વધુ 95 ડોટ બોલ્સ ફેંકી ઝળહળતી સિદ્ધિ મેળવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ પટેલે સદર ટુર્નામેન્ટમાં લીડ્સ સુપર કિંગ સામેની સેમીફાઈનલ મેચમાં 52 બોલમાં 109 રન તથા ફાઈનલ મેચમાં 45 બોલમાં 95 રન બનાવી દર્શકોને પ્રભાવિત કર્યા હતાં. પ્રિન્સ પટેલની આ તોફાની બેટિંગને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવી લીધી હતી. બીજીતરફ આ હોનહાર ક્રિકેટરે ઈગ્લેન્ડમાં તાજેતરની ઘરેલુ વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં 194 રન,138 રન,128 રન ,118 રન, 108 રન તથા 109 રન સાથે 6 જેટલી સેન્ચુરી પણ ફટકારી છે. ક્રિકેટ ક્ષેત્રે ઉભરતાં આ ખેલાડીની ઉત્તરોત્તર પ્રગતિ માટે માંગરોલ તથા ઓલપાડ પંથકનાં ક્રિકેટપ્રેમીઓ તથા શિક્ષકગણે તેને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)
○●●
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
