સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષક પાત્રતા કસોટી મુક્તિ અને જૂની પેન્શન યોજનાની માંગણી માટે પ્રથમ તબક્કાનાં આંદોલનનો પ્રારંભ

0
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષક પાત્રતા કસોટી મુક્તિ અને જૂની પેન્શન યોજનાની માંગણી માટે પ્રથમ તબક્કાનાં આંદોલનનો પ્રારંભ
Contact News Publisher

કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોએ ખૂબજ શાંતિપૂર્વક શાળામાં પોતાની ફરજ બજાવવા સાથે આંદોલનમાં વિરોધી સૂર પૂર્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૬. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી બિપીનભાઈ પટેલે જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોને શિક્ષક પાત્રતા કસોટીમાંથી મુક્તિ આપવા તથા વર્ષ ૨૦૦૫ પછી નિમણૂક પામેલ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટેનાં રાજ્યવ્યાપી આંદોલન સંદર્ભે શિક્ષક દિનને બ્લેક બેજ દિવસ તરીકે મનાવવા આહવાન કરેલ હતું, જેને અપેક્ષિત સફળતા સાંપડી હતી. આ આંદોલન અંતર્ગત તબક્કાવાર યોજાનાર કાર્યક્રમો પૈકી આજરોજ તા. ૦૫ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે સુરત જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનો દ્વારા વિરોધ સ્વરૂપે કાળી પટ્ટી ધારણ કરી શાળામાં ફરજ બજાવવામાં આવી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષક સંઘની આ લડત માત્ર શિક્ષકનાં હિત માટે નહિ, પરંતુ શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકનાં સન્માન માટેની છે. અમારો સ્પષ્ટ સંદેશ છે કે શિક્ષક એકતા અમારી શક્તિ છે. અમારી તમામ પડતર માંગણીઓ સંદર્ભે સરકારશ્રી સમક્ષ ફતેહપૂર્વક રજૂઆત કરવા આગામી દિવસોમાં અમારી સંપૂર્ણ તૈયારી છે. કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોએ ખૂબજ શાંતિપૂર્વક શાળામાં પોતાની ફરજ બજાવવા સાથે આંદોલનમાં વિરોધી સૂર પૂર્યો હતો. સાથેજ સરકારશ્રી દ્વારા આ પ્રશ્નો બાબતે હકારાત્મક અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *