સોનગઢના ૧૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ

0
સોનગઢના ૧૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ
Contact News Publisher

પંચસ્તરીય મોડેલ તથા જીવામૃત, ઘન જીવામૃત અને નિમાસ્ત્રના ઉપયોગ અંગે અપાયું માર્ગદર્શન

—-

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૦૬. ૫ સપ્ટેમ્બર શનિવારના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નિશાણા અને બંધરપાડા મિશન ક્લસ્ટરના 110 સ્વયંપ્રેરિત ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પાનવાડી-વ્યારા ખાતે યોજાઈ હતી. આ તાલીમનું આયોજન આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) હેઠળ કરવામાં આવ્યું હતું.

 

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ મેનેજર પ્રતિભાબેન પી. કોંકણી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદનનો નિયમિત ઉપયોગ કરવા તેમજ સ્થાનિક જાતોના બીજ અને દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિઓ અપનાવવા અંગે માહિતી આપી હતી.

 

તાલીમ દરમિયાન પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી મોડેલ અંગે સમજ આપવામાં આવી હતી. આ મોડેલ દ્વારા જમીન, પાણી અને સૂર્યપ્રકાશ જેવા કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી પર્યાવરણમૈત્રી ખેતી સાથે ખેડૂતોને વર્ષભર આવક મેળવવામાં મદદ મળી શકે છે.

 

પ્રાકૃતિક ખેતીમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત અને ઝેરમુક્ત કૃષિ ઉત્પાદન મેળવવા અંગે પણ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમના અંતિમ તબક્કામાં કુદરતી જીવાત નિયંત્રણ માટે અસરકારક નિમાસ્ત્રનું લાઈવ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. સાથે જ ખેડૂતોને પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત કરાવી વિવિધ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ સખી-સી.આર.પી. તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○●○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *